જૂનાગઢ શહેરના ધારાગઢ વિસ્તારમાં મહાનગરપાલિકાએ મોટા પાયે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન 130થી વધુ મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવશે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેમને માત્ર પાંચ દિવસની નોટિસ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા નઝમાબેન પઠાણે જણાવ્યું કે તેઓ રોજની મજૂરીથી જીવન નિર્વાહ કરે છે. હવે તેમની પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી અને ભાડે પણ મકાન મળતું નથી.

સ્થાનિક રહેવાસી ઇદરીશ પટ્ટીએ આક્ષેપ કર્યો કે શહેરમાં 135 બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો સામે નોટિસ આપવામાં આવી છે. પરંતુ તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર ગરીબ લોકોના મકાનો જ તોડવામાં આવે છે.
રુકસાનાબેન થાયમે જણાવ્યું કે તેમની નાની દીકરીઓ છે અને હવે તેમને રહેવા માટે કોઈ સ્થળ નથી. સરકાર બેટી બચાવોની વાત કરે છે પરંતુ તેમને જીવન જીવવાનો અધિકાર પણ મળતો નથી.

આ મામલે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ઝાપડાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.





