Gujarat

અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે તેથી કાયમની શાંતિ થાય છે. અન્નવિક્રય-જ્ઞાનવિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નથી અને પાપ વધ્યું છે

*યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*
વાસી ઉત્તરાયણના આનંદ બાદ હવે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી ઓમાં લાગી જશે આજે ભગવદ્ ગીતા જ્ઞાનમાં જોઇએ તો જ્ઞાન માર્ગમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગમાં જે મળેલું છે તેનો જ અનુભવ કરવાનો છે. ભક્તિમાર્ગમાં ભક્તિ દ્વારા ભેદનો વિનાશ કરવાનો છે. જ્ઞાનમાર્ગમાં જ્ઞાનથી ભેદનો નિષેધ કરવામાં આવે છે. બંનેનું લક્ષ્ય એક જ છે. પૂર્વજન્મના પુણ્યનો ઉદય થાય છે,ત્યારે આ પવિત્ર કથા સાંભળ વાનો યોગ થાય છે.
કળિયુગમાં જીવોને કાળરૂપ સર્પ ના મુખમાંથી છોડાવવા શુકદેવજી એ ભાગવતની કથા કહી છે. જ્યારે શુકદેવજી પરીક્ષિત રાજા ને આ કથા સંભળાવતા હતા. ત્યારે સ્વર્ગનું અમૃત લઈ દેવો ત્યાં આવેલા. દેવોએ કહ્યું કે, સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ અને કથા અમૃત આપ અમને આપો. શુકદેવજીએ પરીક્ષિતને પૂછયું, તારે આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે? પરીક્ષિતે મહારાજને પૂછ્યું, મહારાજ સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ? શુકદેવજી કહે છે,સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય નો ક્ષય થાય છે.પરંતુ પાપનો ક્ષય થતો નથી.પાપનો ક્ષય તો કથા મૃતના પાનથી જ થશે કથામૃતથી ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથામૃત શ્રેષ્ઠ છે
રાજાએ કહ્યું, ભગવાન,મારે સ્વર્ગ નું અમૃત પીવું નથી.મારે આ કથા મૃતનું જ પાન કરવું છે.સાત જ દિવસમાં જ્ઞાન-વૈરાગ્યને જાગૃત કરી ભક્તિરસ ઉત્પન્ન કરનારી આ કથા છે.આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ સૂતેલાં છે તેને જાગૃત કરવાનાં છે. એવો બીજો કોઈ ગ્રંથ નથી જે સાત દિવસમાં મુક્તિ અપાવી શકે.
સૂતજીએ કહ્યું કે, સાત દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે કથા હું તમને સંભળાવું છું. સાત દિવસમાં મુક્તિ મળી. વક્તા શુકદેવજી જેવો હોય અને શ્રોતા પરીક્ષિત જેવો હોય તો,સાત દિવસમાં મુક્તિ મળે છે. વક્તા શ્રોતા બંને અધિકારી હોવા જોઇએ. કરંટ અને ગોળો બંને સારા હોવા જોઇએ.કથાસાંભળી પરીક્ષિતને સદ્ગતિ મળી. તેઓ વિમાનમાં બેસીને પરમાત્મા ના ધામમાં ગયા છે. આજકાલ લોકો કથા બહુ સાંભળે છે, પરંતુ તેઓને લેવા માટે વિમાન કેમ આવતું નથી? વિમાન આવતું નથી કારણ કે વક્તા-શ્રોતા અધિકારી નથી. વિમાન આવે તો મનુષ્યની જવાની તૈયારી ક્યાં છે? મનુષ્ય પત્ની, પુત્ર, ધન વગેરેમાં ફસાયેલો છે. આ આસક્તિ છૂટે ત્યાં સુધી મુક્તિ નથી. જેનું મન પરમાત્માના રંગથી રંગાયેલું છે, તે જ્યાં બેઠો છે ત્યાં જ તેને મુક્તિ છે. ત્યાં જ તેનું વિમાન છે. તેને માટે વિમાન આવે તો પણ શું અને ન આવે તો પણશું?ઈશ્વર સાથે તન્મયતા થતાં જ આનંદ મળે છે તેથી વિશેષ આનંદ વૈકુંઠમાં નથી. તુકારામને લેવા વિમાન આવ્યું. તુકારામજી પત્નીને કહે છે કે ચાલ,તને વિમાન માં બેસાડીને પરમાત્માના ધામમાં લઈ જાઉં, પરંતુ પત્નીએ કહ્યું, તમારે જવું હોય તો જાવ, મારે આવવું નથી અને તે ગઈ નહીં.સંસારનો મોહ આવો છે. વાસના ઉપર અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જશે,તો જીવન મધુર બની જશે.
વાસના ક્ષીણ ન થાય, ત્યાં સુધી મુક્તિ મળતી નથી. પૂર્વજન્મનું શરીર ગયું, પણ મન ગયું નથી. લોકો તન અને કપડાંની કાળજી રાખે છે, પરંતુ મર્યા પછી પણ જે સાથે આવે છે તેની કાળજી રાખતા નથી, મર્યા પછી પણ મન સાથે આવવાનું છે. માટે તેની કાળજી રાખો. ધન, શરીર વગેરેની કાળજી રાખશો નહીં. મર્યા પછી આંગળીમાં વીંટી હશે, તો તે પણ લોકો કાઢી લેશે. આચાર, વિચાર વિના મનની શુદ્ધિ થતી નથી અને મનની શુદ્ધિ થાય નહીં ત્યાં લગી ભક્તિ થઈ શકતી નથી.
વિવેકથી સંસારનો અંત ન લાવો ત્યાં સુધી અંત આવવાનો નથી. જીવનમાં સંયમ, સદાચાર જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી પુસ્તકમાં જ્ઞાન કાંઈ કામ લાગશે નહીં. ઘણા ઘણા ગ્રંથો વાંચવાથી બુદ્ધિમાં વિક્ષેપ થાય છે.
કેવળ જ્ઞાન શું કામનું?એકગૃહસ્થ નો પુત્ર મરણ પામ્યો.ગૃહસ્થરુદન કરે છે.તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે અને ઉપદેશ આપે છે કે, આત્મા અમર છે.મરણ તોશરીરનું થયું છે તો તમારે પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી.”
થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ. તેથી તે રડવા લાગ્યો. સાધુને રડતો જોઈ તે ગૃહસ્થે સાધુને કહ્યું કે, બાપુજી તમે તો મને ઉપદેશ આપતા હતા ને કે કોઇના મરણનો શોક કરવો નહીં અને તેમ કેમ રડો છો! ત્યારે સાધુએ કહ્યું કે, છોકરો તારો હતો. પણ બકરી મારી હતી તેથી રડું છું. આનું નામ પરોપદેશે પાંડિત્યમ્!
કથા જીવનને સુધારે છે અને મુક્તિ આપે છે એ વાત સાચી છે. રોજ રોજ મૃત્યુને એક-બે વખત યાદ કરો,કદાચ આજે જ મને યમ દૂત લેવા આવે તો? એમ રોજ વિચારો તો પાપ થશે નહીં. મનુષ્યો રોજ ભોજનનો વિચાર કરે છે, પણ મૃત્યુનો વિચાર કરતો નથી.દુઃખની વાત છે.
આ ભાગવત કથાનું માહાત્મય એકવાર સનતકુમારોએ નારદજી ને કહી સંભળાવ્યું હતું. મહાત્મ્યમાં એવું લખ્યું છે કે, મોટા મોટા ઋષિઓ,દેવો,બ્રહ્મલોક છોડી વિશાલ ક્ષેત્રમાં કથા સાંભળવા આવ્યા છે, કારણ કે કથાનો આનંદ બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે.યોગી એકલો તરે છે સત્સંગી પોતે તરે છે અને સંગમાં આવેલાં સર્વને તારે છે. બદરિકાશ્રમમાં સનતકુમારો પધાર્યા છે. જેથી લોકો તેને બદરિ કાશ્રમ કહે છે તે વિશાલા ક્ષેત્ર છે. બદરી વિશાલલાલ કી જય! સ્કંદ પુરાણમાં કથા છે કે બદ્રિનારાયણ વિશાલ રાજાને માટે પધાર્યા હતા! જેમ પુંડલિકને માટે વિઠ્ઠલનાથ આવ્યા હતા.જે ભક્તને માટે ભગવાન આવે તે ધન્ય! બદ્રિ નારાયણ તપ ધ્યાનનો આદર્શ જગતને બતાવે છે. તે બતાવે છે કે હું ઈશ્વર છું છતાં તપ ધ્યાનકરું છું જીવ એકદમ તપશ્ચર્યા કરી શકતો નથી.તેથી ભગવાન આદર્શ બતાવે છે.બાળક દવા લેતો નથી ત્યારે મા દવા ખાય છે.માને દવાની જરૂર નથી પણ બાળકને સમજાવવા દવા ખાય છે.
બદ્રિનારાયણના મંદિરમાંલક્ષ્મીજી ની મૂર્તિ મંદિરની બહાર છે.સ્ત્રી સંગ અને બાળકનો સંગ તપશ્ચર્યા માં વિઘ્નરૂપ છે.આમાં સ્ત્રીની નિંદા નથી,પણ કામની નિંદા છે.ઘરમાં સ્ત્રી-બાળકો વચ્ચે રહીને ભગવાન નું ભજન કરવાનું છે.તેવી જ રીતે તપસ્વિની સ્ત્રી માટે પુરુષનો સંગ ત્યજ્ય છે, પણ સામાન્ય સ્ત્રીએ ઘરમાં રહીને પ્રભુ ભજન કરવાનું છે.
એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં આવ્યા.ત્યાં સનકા દિઋષિઓ અને નારદજીનું મિલન થયું.નારદજીનું મુખઉદાસ! ચિંતા ન કરે એ જ વૈષ્ણવ. વૈષ્ણવ હંમેશાં પ્રસન્ન રહે છે. છતાં તમે પ્રસન્ન કેમ નથી? નારદજીએ કહ્યું : મારો દેશ સુખી છે. સત્ય, તપ, દયા, દાન રહ્યાં નથી. મનુષ્ય જીભે બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ અને કરે છે કાંઈ!બધા પેટભરા બની ગયા છે.
સમાજમાં કોઇને સુખ નથી, શાંતિ નથી.મેં અનેક જગ્યાએ ભ્રમણ કર્યું, પણ મને શાંતિ મળી નથી. આજે સૌ દુઃખી છે. જ્યાં સુધી ધર્મ અને ઈશ્વરને ન માને,ત્યાં સુધી દેશ સુખી થતો નથી. જેના જીવનમાં ધર્મને સ્થાન નથી, તેના જીવનમાં શાંતિ નથી.
જગતમાં હવે ધર્મ રહ્યો નથી. સત્ય રહ્યું નથી. એમ નારદજી દુઃખથી બોલ્યા છે. આ જગતમાં અસત્ય સમાન કોઈ પાપ નથી. અસત્ય બોલનારના પુણ્યનો ક્ષય થાય છે. ખરો આનંદ મળે તેવી ઇચ્છા હોય તો સત્યમાં ખૂબ નિષ્ઠા રાખવી, અસત્ય બોલનારો સુખી થતો નથી અને થવાનો નથી. તમે મિતભાષી થશો તો સત્ય ભાષી થશો.
જગતમાં ક્યાંય પવિત્રતા દેખાતી નથી. કપડાં અને શરીર ચોખ્ખાં રાખો છો તેવી રીતે મનને  પવિત્ર રાખો. કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે.
જગતમાં કયાંય નીતિ દેખાતી નથી. નીતિ-અનીતિથી ખૂબ ભેગું કરવું છે અને કુમાર્ગે વાપરવું કે પૈસાથી કુટુંબને સુખી કરીશ. શરીર અને ઈન્દ્રિયોના સુખમાં એ એવો ફસાયો છે કે ખરો આનંદ ક્યાં છે અને કેમ મળે તેનો તે વિચાર કરતો નથી.
જીવનમાં જ્યાં સુધી કોઈ લક્ષ્ય થાય નહીં, ત્યાં સુધી પાપ અટકે નહીં, જે લક્ષ્યને લક્ષમાં રાખે તેનાથી પાપ થાય નહીં. પરંતુ મનુષ્યને લક્ષ્યની ખબર નથી ને કામ કરવાની જરૂર છે તેજ એ કરતો નથી.
જગતમાં પાપ બહુ વધી ગયું, તેથી ધરતી માતા અન્ન ગળી ગઈ છે. અન્નવિક્રય પણ એ પાપ છે, જ્ઞાન વિક્રય પણ પાપ છે, જ્ઞાનનો વિક્રય ન કરો. બ્રાહ્મણ નિષ્કામ ભાવથી જગતને જ્ઞાનનું દાન કરે. અન્નદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે તેથી કાયમની શાંતિ થાય છે. અન્નવિક્રય-જ્ઞાનવિક્રય થવા લાગ્યા ત્યારથી પવિત્રતા રહી નથી અને પાપ વધ્યું છે.
વાચક ચાહક મિત્રો સૌને જય માતાજી સુપ્રભાત, શીત લહેર વચ્ચે હવે વાતાવરણમાં કેવો અચાનક પલટો આવે છે તેના તરફ હવામાન વિભાગ અને આગાહી કર્તાઓની નજર છે ત્યારે બુધવારના વાંચન વિરામ બાદ આજે ભગવદ્ ગીતા જ્ઞાનમાં આટલું જ અસ્તુ.
*યશપાલસિંહ ટી. વાઘેલા દરબારગઢ શ્રી ઓગડ વિદ્યા મંદિર થરા*