Gujarat

સોનામાં એક દિવસમાં 3 હજારનો વધારો, ચાંદીનો ભાવ 6500 ઉછળી 1.66 લાખ

બૂલિયન માર્કેટમાં ફરી આક્રમક તેજી જોવા મળી છે. અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.3000 વધી રૂ.1.31 લાખ અને ચાંદી રૂ.6500 ઉછળી રૂ.1.66 લાખની સપાટીએ પહોંચ્યા છે.

તેજી પાછળ મુખ્ય કારણ અમેરિકામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલા શટડાઉનના કારણે આર્થિક સંકટનો ભય, ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વ દ્વારા રેટકટની શક્યતાઓ વચ્ચે કોમેક્સ ગોલ્ડ ઉછળી 4240 ડોલર જ્યારે ચાંદી 54 ડોલરની સપાટી કુદાવી નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે.

ચાર દિવસમાં જ સોનામાં રૂ.7000 અને ચાંદીમાં રૂ.16000ની ઝડપી તેજી જોવા મળી છે. અમેરિકામાં શટડાઉન, ટેરિફ વોરને કારણે સર્જાયેલી વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે.

સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના વર્લ્ડ સિલ્વર સર્વે 2025 અનુસાર સોના-ચાંદીનો ઊંચો ગુણોત્તર ચાંદીને મદદ કરી રહ્યો છે. ચાંદીમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે ગતીએ વધી રહી છે તે જળવાઇ રહેશે તો કિંમતો પર દબાણની સંભાવના નહિંવત્ રહેશે.