Gujarat

હળવદ પોલીસે 25 ખોવાયેલા મોબાઇલ શોધી કાઢ્યા

હળવદ પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 4.76 લાખ રૂપિયાની કિંમતના 25 ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.

પોલીસે “CEIR” (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને આ ફોન શોધવાની કવાયત હાથ ધરી હતી. આ માટે ખોવાયેલા ફોન અંગેની અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઈ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે આ કામગીરી કરી હતી. હળવદ પોલીસ સ્ટેશનના યુવરાજસિંહ નિરૂભા જાડેજાએ CEIR પોર્ટલમાં એન્ટ્રી કરીને સતત મોનિટરિંગ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી.

આ પ્રયાસોના પરિણામે, કુલ 25 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ ફોન રેન્જ આઈજીના હસ્તે તેમના સાચા માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા.