Gujarat

પાલનપુરમાં દિવ્યાંગ બાળકો માટે નવરાત્રી મહોત્સવ યોજાયો

પાલનપુરમાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને, બનાસકાંઠા બાળ કલ્યાણ સમિતિ, બાળ સુરક્ષા વિભાગ અને મમતા મંદિરના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ પાલનપુરના સાર્વજનિક છાત્રાલય, ગોબરી રોડ ખાતે યોજાયો હતો.પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે નૃત્ય, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શરદ પૂર્ણિમા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકો સમાજનો અવિભાજ્ય ભાગ છે.

તેઓ તહેવારના આનંદથી વંચિત ન રહે તે માટે આવા કાર્યક્રમો આવશ્યક છે. આવા પ્રસંગો તેમને આત્મવિશ્વાસ આપે છે અને સમાજમાં સમાન સ્થાન પ્રાપ્ત કરાવે છે તેમણે વધુમાં ઉમેર્યું કે ‘વિકસિત ભારત અભિયાન’ના હેતુઓને સિદ્ધ કરવા માટે દરેક નાગરિકે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે પોતાનો ફાળો આપવો જરૂરી છે.

તેમણે દિવ્યાંગ બાળકો માટે સતત કાર્યરત તમામ સંસ્થાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, નગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.