Gujarat

હારિજના કુકરાણા ગામે “હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમનું ભવ્ય આયોજન — ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતો અનોખો ઉપક્રમ

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

હારિજના કુકરાણા ગામે “હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમનું ભવ્ય આયોજન — ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતો અનોખો ઉપક્રમ

હારિજ તાલુકાના કુકરાણા ગામે 27 લેઉવા પાટીદાર સમાજ પ્રેરિત વિજ્યા લક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવા માટે “હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમનું ભવ્ય બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું ઉદ્દઘાટન પૂજ્ય નરહરિદાસ બાપુ, સમાજના આગેવાન રોનક પટેલ, તથા ફાઉન્ડેશનના દાતા જય.એમ. પટેલ (DYSP Retd.) સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતથી જ સમગ્ર કુકરાણા ગામમાં ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ધોરણ 5 થી 12ના 700થી વધુ વિદ્યાર્થીઓએ “હાલો ભેરુ આપણા મલકમાં” શીર્ષક હેઠળ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગ્રામ્ય જીવનશૈલી, લોકકલા અને પરંપરાગત મૂલ્યોને ઉજાગર કરતી અનેક સ્પર્ધાઓ યોજાઈ.
સ્પર્ધાઓમાં રસ્સાખેચ, કબડી, ખો-ખો, ગરગડી, ધજારોપ, લખોટી, ખારોપાટ, સતોડિયો જેવી જૂની પરંપરાગત રમતોનું આયોજન થયું. આ રમતોમાં નાના–મોટા સૌએ ઉમંગભેર ભાગ લીધો અને બાળપણની યાદોને તાજી કરી દીધી.
સાથે સાથે જૂના જમાનાની ખેતીના પરંપરાગત ઓજારો, વાસણો અને ગામઠી ચીજવસ્તુઓની અનોખી પ્રદર્શની પણ રાખવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી.
કાર્યક્રમ દરમ્યાન સાંસ્કૃતિક ગરબાઓથી માહોલ ઝૂમી ઉઠ્યો. બાળકો તથા મહિલાઓએ રંગબેરંગી વેશભૂષામાં પરંપરાગત તાલે ઠુમકા લગાવ્યા.
પ્રભાતફેરી અને રાષ્ટ્રીય ધ્વજ આરોહણ જેવી દેશભક્તિજનક પ્રવૃત્તિઓ પણ યોજાઈ, જેનાથી સમગ્ર ગામમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ.કાર્યક્રમમાં જાણીતા વક્તા મનીષ વઘાસીયાએ “આપણો વારસો અને ગ્રામ્ય વિકાસ” વિષય પર પ્રેરણાદાયી ભાષણ આપ્યું, જેમાં યુવા પેઢીને પોતાના મૂળ અને સંસ્કૃતિ પ્રત્યે જોડાયેલ રહેવા માટે પ્રેરણા મળી.
આ સમગ્ર કાર્યક્રમને ગામના લોકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવીને એકતા, સંસ્કૃતિ અને સામૂહિક ભાવનાનું અનોખું દૃશ્ય સર્જ્યું.વિજ્યા લક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યરત તમામ સભ્યો અને ગામજનોની ભૂમિકા પ્રશંસનીય રહી.“હાલો ભેરુ ગામડે–૨૦૨૫” કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો નહોતો, પરંતુ ગ્રામ્ય જીવનશૈલી, સંસ્કૃતિ, શિક્ષણ અને સામાજિક એકતાનું પ્રતિબિંબ બની રહ્યો — અને કુકરાણા ગામે આ કાર્યક્રમ દ્વારા આખા પાટણ જિલ્લામાં એક અનોખો સંદેશ આપ્યો કે આપણું ગામ, આપણી સંસ્કૃતિ – આપણો ગૌરવ.

IMG-20251024-WA0050-2.jpg IMG-20251024-WA0050-3.jpg IMG-20251024-WA0051-4.jpg IMG-20251024-WA0048-0.jpg IMG-20251024-WA0049-1.jpg