ચિતલના જશવંતગઢ ખાતે પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. 50 જેટલી કિશોરીઓનાં એચ.બી ટેસ્ટ અને વજન ઉંચાઇ કરવામાં આવ્યા હતા.
આ ઉજવણી દરમિયાન ગર્ભાવસ્થાથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ 1000 દિવસના સમયગાળામાં યોગ્ય પોષણના મહત્વ પર ભાર મૂકવો, સમુદાય આધારિત કાર્યક્રમ દ્વારા અતિ ગંભીર કુપોષણમાં સુધારણા માટે નક્કર કાર્યવાહી કરવી, બાળકોમાં સ્થૂળતાને અટકાવવા તંદુરસ્ત જીવનશૈલી અને ખોરાકની આદતો વિશે જાગૃતિ ફેલાવવી જેવા વિષયો પર કામગીરી કરવામાં આવી હતી.
અમરેલીના ચિતલના જશવંતગઢમાં આંબેડકર કોલોની ખાતે આંગણવાડી કેંદ્ર નંબર 10 માં પોષણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમરેલી આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફીસર દક્ષાબેન ભટ્ટ દ્વારા કિશોરીઓને પૌષ્ટિક આહારનાં મહત્વ વિશે સમજણ આપી હતી. તેમજ સી.એચ.ઓ હેતલબેન દ્વારા કિશોરીઓને માસીક ધર્મ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ચિતલ સેજાનાં મુખ્ય સેવિકા પૂજાબેન મુંધવા દ્વારા કરવામાં આવ્યું હતું. . આ તકે આઇ.સી.ડી.એસ પી.એસ.સી વિભાગમાંથી પૂજાબેન મહેતા, આરોગ્ય વિભાગમાંથી એમ.ઓ. જીતેંદ્રભાઇ બોરીચા, એફ.એચ ડબ્લ્યુ દયાબેન દાફડા, એમ.પી.ડબ્લ્યુ એચ. વિજયભાઇ શેતરાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

