Gujarat

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકનું વિમોચન

અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂજ્ય રામકૃષ્ણદાસ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.

વૈદિક ગણિતના તજજ્ઞ ડો. પરિધિ ત્રિવેદી પરીખ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકથી વિધાર્થીઓને ગણિત વિષય સરળતાથી સમજી શકશે.

પુસ્તકના વિમોચન પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે સૌપ્રથમ આ પુસ્તક તૈયાર કરનાર લેખકને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગણિત જેવા વિષયને બાળકના મગજ સુધી સરળતા અને સહજતાથી પહોંચાડવા આ પુસ્તક અગત્યનું કામ કરશે. અને આ પુસ્તકથી બાળકોને પણ ગણિત વિષયમાં રુચિ વધશે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, આ સમયમાં બાળકોને તત્વજ્ઞાન સાથે ગણિતશાસ્ત્ર સમજવું પણ જરૂરી બની ગયું છે. તેમણે વૈદિક ગણિત વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પુસ્તકના લેખકને શુભકામના પાઠવી હતી અને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે અઘરા વિષયોને સહેલા કરવાનો આ પ્રયાસ અભિનંદનને પાત્ર છે.

‘ધ મેથ્સ સફારી‘ પુસ્તકના લેખક ડૉ.પરિધિ ત્રિવેદી પરીખે આ પુસ્તક વિશે વિસ્તૃત વાત કરી હતી અને બાળકોને ગણિત સરળ રીતે સમજાવવા તેમના દ્વારા કરાયેલ પ્રયત્નો વિશે પણ વાત કરી હતી.

આ પ્રસંગે આમંત્રિત મહેમાનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.