Gujarat

હેમંત ખવા જમીન માપણી વિરોધમાં સૂત્રો લખેલું ટી-શર્ટ પહેરી આવતા ગૃહમાંથી બહાર કઢાયા

ગુજરાત વિધાનસભાના છઠા સત્રમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહેસૂલ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા “ખોટી જમીન માપણી રદ કરો” સૂત્ર લખેલું ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવ્યા હતા. જેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટી-શર્ટ બદલવાની સૂચના આપી. પરંતુ ધારાસભ્યે વિરોધ ચાલુ રાખતા તેમને સાર્જન્ટ મારફતે ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.

પત્રકારો સાથેની વાતચીતમાં હેમંત ખવાએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી ખોટી જમીન માપણીનો મુદ્દો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે. આ મુદ્દે તેમણે 25,000થી વધુ અરજીઓ કરાવી છે. 500થી વધુ બાઈક સાથે 100 કિલોમીટરની રેલી યોજી છે. ખવાએ કેટલાક ચોંકાવનારા કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો. લાલપુર તાલુકાના મોડપર ગામના ખેડૂત દેવભાઈ નાવદરિયાની 4.5 વીઘા જમીન રેકોર્ડમાંથી ગાયબ થઈ છે.

થરાદના કરશનભાઈની 10 એકર અને ધ્રોલના લીલાબેન અને ચતુરબેન કોળીની કુલ 12 વીઘા જમીન પણ રેકોર્ડમાંથી ગાયબ થઈ છે. જામનગર જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં 83,467 ફરિયાદ અરજીઓ આવી છે. જેમાંથી માત્ર 13,500 અરજીઓમાં 7-12ના રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે. ગામ નકશામાં એક પણ સુધારો કરવામાં આવ્યો નથી. ભૂલભરેલી જમીન માપણીના કારણે ખેડૂતોમાં ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર ઊભા થયા છે.