હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઈન્ટર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધામાં ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાની મહિલા ટીમે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજની મહિલા ટીમે સતત ત્રીજી વખત ચેમ્પિયનશીપ જીતીને હેટ્રિક નોંધાવી છે.
ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના યજમાનપદે યોજાયેલી આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડીસા કોલેજની ટીમની સફળતા પાછળ વર્ષ દરમિયાન કરવામાં આવેલી સખત મહેનત અને પદ્ધતિસરનું કોચિંગ મુખ્ય કારણભૂત રહ્યું છે.
ટીમના કોચ પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરી અને ભૂતપૂર્વ સોફ્ટબોલ કેપ્ટન દીનેશજી સોલંકીના માર્ગદર્શન હેઠળ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિએ માત્ર યુનિવર્સિટીમાં જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોલેજનું નામ રોશન કર્યું છે.
વિજેતા ટીમને કોલેજના ટ્રસ્ટીઓ, નિયામક છગનભાઈ પટેલ અને પ્રિન્સિપાલ રાજુભાઈ દેસાઈએ અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ સફળતામાં કોલેજના સમગ્ર સ્ટાફનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.