નડિયાદ તાલુકાના કંજોડા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દીકરીના જન્મ બાદ સાસરિયાઓએ પરિણિતા પર માનસિક અને શારીરિક ત્રાસ ગુજાર્યો છે. ઠાસરા તાલુકાના વિઝોલ ગામની 22 વર્ષીય યુવતીના લગ્ન બે વર્ષ પહેલા કંજોડા ગામના યુવક સાથે થયા હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ દિકરીના જન્મ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. સાસુ-સસરા નાની-નાની વાતે પરિણિતાને ઘરકામ બાબતે ટોકતા અને હેરાન કરતા હતા.
ગત 18 જાન્યુઆરી 2025ના રોજ પરિણિતા રસોઈ બનાવતી હતી ત્યારે તેણે પતિને દિકરીને સંભાળવાનું કહ્યું, જેના કારણે પતિ ગુસ્સે થયો અને ‘તારી દિકરી તું જ સંભાળ’ કહીને ગાળો બોલવા લાગ્યો અને મારવા માટે આગળ વધ્યો.
જ્યારે પરિણિતાએ પોતાના પિયરમાં જાણ કરવાની વાત કરી, ત્યારે પતિએ તેને અને તેના ભાઈને ઘરમાં લટકાવી દેવાની ધમકી આપી. ડરના માર્યા પરિણિતાએ તત્કાળ ફોન ન કર્યો, પરંતુ સાંજે તેણે પોતાના માવતરને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા. માવતર તેને પિયર લઈ આવ્યા બાદ પતિએ સ્પષ્ટ કહી દીધું કે, ‘તારાથી થાય તે કેસ કરી લે, હું લડી લઈશ, તને તેડવાનો નથી.
‘ આ સમગ્ર મામલે પરિણિતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે શારીરિક અને માનસિક ત્રાસના આરોપ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.