Gujarat

હાલોલ-વડોદરા રોડ પર આઈસર-બાઈક અકસ્માત

હાલોલ-વડોદરા રોડ પર નીલકંઠ હોટલ સામે આઈસર ટેમ્પો અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, હાલોલ બાયપાસ રોડ પર આવેલા જમસમ પાર્કમાં રહેતા મેનુદીન ગુડેસી અને અનીસ ગુડેસી વડોદરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલા આઈસર ટેમ્પા સાથે તેમની બાઈક અથડાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. 108ની મદદથી બંને ઈજાગ્રસ્તોને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તબીબી તપાસમાં બાઈક ચાલક મેનુદીન ગુડેસીના પગમાં બે ફ્રેક્ચર હોવાનું બહાર આવતા તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે પાછળ બેઠેલા યુવક અનીસ ગુડેસીને નાની-મોટી ઈજાઓ થતાં તેમની હાલોલ ખાતે સારવાર કરવામાં આવી હતી.