ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં રાજ્યના ખેડૂતો, વેપારીઓ અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવાની છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીની હાલની પરિસ્થિતિ અને પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા બેઠકમાં મુખ્ય એજન્ડા રહેશે. રાજ્યમાં ઉભી થયેલી ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોમાં ઉદ્ભવેલી નારાજગી અંગે પણ વિભાગો પાસેથી તાજા અહેવાલો રજૂ કરાશે.
સુભાષ બ્રિજની પ્રાથમિક તપાસનો રિપોર્ટ રજૂ કરાશે કૃષિ રાહત પેકેજ માટે આવેલી અરજીઓ અને તેના નિકાલની ગતિ અંગે કેબિનેટ બેઠકમાં વિગતવાર ચર્ચા થશે. અમદાવાદના સુભાષબ્રિજમાં પડેલી તિરાડોની ઘટનાઓ પછી શહેરી વિકાસ વિભાગ અને AMC દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક કામગીરીનો રિપોર્ટ પણ બેઠકમાં રજૂ થશે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંગે નિર્ણયો લેવાઈ શકે આ સાથે આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની તૈયારીઓ, કાર્યક્રમોની રૂપરેખા અને આયોજનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. તહેવારોની સીઝન નજીક આવતા કાંકરિયા કાર્નિવલ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ (કાઈટ ફેસ્ટિવલ) સહિત રાજ્યવ્યાપી મોટા કાર્યક્રમોની તૈયારીઓ અને સુરક્ષાને લઈને પણ ચર્ચા થશે.

