ભારત પર્વ–૨૦૨૫ના થીમ પેવેલિયનનું મુખ્ય આકર્ષણ ‘ગ્રીન ટ્રી’ વિકાસ, ટેકનોલોજી અને એકતાનું ઝળહળતું પ્રતિક
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે.આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે.

ભારત પર્વ–૨૦૨૫ના થીમ પેવેલિયનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થયેલા વિવિધ રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને વિકાસના પ્રતિકોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પેવેલિયનનું મુખ્ય આકર્ષણ ‘ગ્રીન ટ્રી’ છે, જે વિકસિત ભારતના સ્વપ્નને પ્રતિકાત્મક રીતે વ્યક્ત કરે છે. પ્રકાશિત ઇન્સ્ટોલેશન સ્વરૂપે ઉભેલા આ ગ્રીન ટ્રી દ્વારા ભારતના સર્વાંગી વિકાસની દિશા અને પ્રગતિનો દ્રષ્ટિકોણ રજૂ થયો છે. આ દૃશ્યાવલિએ દેશભક્તિ, આર્ટ અને ટેકનોલોજીનો અદભુત સંગમ સર્જ્યો છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓને અદ્ભુત અનુભૂતિ કરાવે છે.
‘ગ્રીન ટ્રી’ ઇન્સ્ટોલેશનમાં વડાપ્રધાનશ્રીના દુરંદેશી વિઝન હેઠળ સાકાર થયેલા રાષ્ટ્રીય સ્તરના માઈલસ્ટોન પ્રોજેક્ટ્સને પ્રકાશિત રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમ કે સુરત ડાયમંડ બુર્સ, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેજસ ફાઈટર જેટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ઓપરેશન સિદુંર, લક્ષદ્વીપ વિકાસ, શ્રી રામ જન્મભૂમિ મંદિર, સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી, મહાકુંભ–૨૦૨૫, ૈંદ્ગજી વિક્રાંત, સોનમર્ગ ટનલ, વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર અને અટલ સેતુ જેવા પ્રોજેક્ટ્સ.આ તમામ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરનારા પ્રતીકાત્મક તબક્કાઓ તરીકે ઝળહળે છે.
ભારત પર્વના સમગ્ર પરિસરમાં પ્રકાશ, સંગીત અને ટેકનોલોજીનું સંકલન દેશભક્તિની લહેર ફેલાવે છે. “ગ્રીન ટ્રી” માત્ર એક કળાત્મક ઇન્સ્ટોલેશન નથી, પરંતુ ભારતના વિકાસ, પ્રગતિ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિક છે.એમાં દર્શાવેલા દરેક પ્રોજેક્ટ વડાપ્રધાનશ્રીના નેશન બિલ્ડિંગ વિઝનનો દૃશ્યરૂપ સાકાર સ્વરૂપ છે, ‘ગ્રીન ટ્રી’ એટલે ભારતના સપનાનું વિકસિત વટવૃક્ષ.
એકતા નગર ખાતે ભારત પર્વ દરમિયાન દેશના વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત, નૃત્ય અને પરંપરાનું મનોહર પ્રદર્શન થયું છે, જે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની જીવંત અનુભૂતિ કરાવે છે.આ પ્રકાશ પર્વ–૨૦૨૫ વડે ભારતના વિકાસ અને એકતાનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે જે રાષ્ટ્રપ્રેમ, ગૌરવ અને ભવિષ્ય પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
ભારત પર્વ–૨૦૨૫ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત”ના વિઝનને ઉજાગર કરતું રાષ્ટ્રીય પ્રદર્શન છે. એકતા નગરનો આ પ્રકાશ પર્વ ભવિષ્યના ઉજ્જવળ ભારતનો સંદેશ આપી રહ્યો છે જ્યાં પ્રગતિ, એકતા અને દેશભક્તિ એકસાથે ઝળહળે છે.

