Gujarat

નડિયાદમાં કાંસ પર તાણી બાંધેલા 60 દબાણો તોડાયા, પાણીનો રસ્તો કરવા હવે સફાઇ કરાશે

નડિયાદ શહેરમાં કાંસ ઉપર આડેધડ કરવામાં આવેલાં દબાણો મનપાની ટીમ દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત શહેરના ખેતા તળાવના ઢાળ પાસે તેમજ જીમખાના પાસે કાંસના 8 મીટરના પટ્ટા પર આવેલાં 60થી વધુ કાચા – પાકા દબાણો મનપાની ટીમ દ્વારા દૂર કરીને કાંસની સફાઇ માટેનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો.

નડિયાદ શહેરમાં વર્ષ 2024 ના ચોમાસામાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતી બાદ હવે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત કાંસની સફાઇની કામગીરી શરૂ કરી છે.

જોકે, શહેરમાં કાંસ ઉપર લોકોએ પાકું ચણતર પણ કરી દેતાં હવે મનપાની ટીમને કાંસની સફાઇની સાથે સાથે દબાણો પણ દૂર કરવાની કામગીરી કરવાનો વારો આવ્યો છે.

શહેરમાં કાંસ ઉપર કરવામાં આવેલાં દબાણોને દૂર કરવાની નોટિસ સ્થાનિકોને આપ્યા બાદ ગુરૂવારે મનપાની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

સંપૂર્ણ કાંસની પૂરતી સફાઇ શક્ય જ નથી

નડિયાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળીને કુલ 44 કિમી લાંબો કાંસ આવેલો છે. જેમાંથી વરસાદી પાણીનો નિકાલ શહેરની બહાર થાય છે. જોકે, શહેરમાં થયેલાં બાંધકામને કારણે કાંસનો મોટાભાગનો હિસ્સો બાંધકામની નીચે હોવાથી તેની સફાઇ કરવી શક્ય નથી. સરદાર ભુવનની નીચેથી પસાર થતો કાંસ હોય કે પછી સંતરામ રોડની મધ્યમાંથી પસાર થતો કાંસ હોય, તેની સંપૂર્ણ સફાઇ કરવી શક્ય ન હોવાને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થતો હોવાથી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉભી થાય છે.

આ ઉપરાંત સ્થાનિકો દ્વારા કાંસમાં મોટાપાયે કચરો પણ ફેંકવામાં આવે છે. જેથી પાણીનો પ્રવાહ અવરોધાતાં, તેનો નિકાલ ન થવાને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતી સર્જાય છે. શહેરમાં કાંસનો આશરે 50 ટકાથી પણ વધુ હિસ્સો બાંધકામ નીચે હોવાથી તેની સફાઇ શક્ય નથી.

આગામી વર્ષમાં નવો કાંસ બનાવાશે

આગામી સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે નવો કાંસ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે ચોમાસાંને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાંથી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે અને આગામી નવા કાંસના કામમાં અવરોધરૂપ બનતાં 40 જેટલાં દબાણોને આજે અમારી ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. > રૂદ્રેશ હુદડ, ડેપ્યુટી કમિશ્નર,