Gujarat

રાધનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ : હાઇવે પર યુવક પર ચાર શખ્સોનો હુમલો

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ : હાઇવે પર યુવક પર ચાર શખ્સોનો હુમલો

*સરદારપુરા નજીક ઇન્સ્ટાગ્રામ ની રીલ વીડિયો બનાવવા શ્રમિકને ઢોર માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ*

*પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી, વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયાનો ખુલાસો*

પાટણ જિલ્લાનો રાધનપુર તાલુકો ફરી એકવાર ગુનાખોરીની ઘટનાથી ચકચારમાં આવ્યો છે. સરદારપુરા ગામ નજીક હાઇવે પર ચાર અજાણ્યા શખ્સોએ એક યુવક પર ધોકા અને પંચ વડે હુમલો કર્યો હતો. હુમલાની ઘટના દરમ્યાન હુમલાખોરોએ વીડિયો પણ બનાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદી પ્રભુભાઈ તુલશીભાઈ ઠાકોર (ઉંમર 32, રહેવાસી ડામરકા, રાધનપુર) એ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ધરવડી ગામેથી મોટરસાયકલ લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે સરદારપુરા ગામ પાસે સિમેન્ટના થાંભલાની ફેક્ટરી નજીક એક પલ્સર બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ રોડની રોંગ સાઇડમાં આવી તેમનું મોટરસાયકલ અટકાવ્યું હતું.
તેમણે પ્રભુભાઈને પૂછ્યું કે “ક્યાંથી આવે છે?” અને કોઈ કારણ વગર હુમલો શરૂ કર્યો. ચાર પૈકી એક ઇસમે ધોકા વડે બરડાના ભાગે માર્યો, બીજાએ લોખંડના પંચ વડે શરીર પર આડેધડ માર માર્યો, જ્યારે ત્રીજાએ ગડદાપાટુનો પ્રહાર કર્યો હતો. હુમલામાં પ્રભુભાઈને ડાબા હાથ અને જમણા હાથના અંગૂઠા પર ઈજા પહોંચી હતી.
હુમલા દરમ્યાન ચોથા ઇસમે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. બાદમાં ચારેય હુમલાખોરોએ ગાળો ભાંડી ધમકી આપી કે “જો આ વાત કોઈને કહેશે અથવા ફરી મળશે તો જાનથી મારી નાખીશું.” આ ઘટનામાં ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી આશરે ₹800 પણ પડી ગયા હતા. બાદમાં હુમલાખોરો પોતાનું પલ્સર મોટરસાયકલ લઈને થરા તરફ ફરાર થઈ ગયા હતા.
પછી સાંજે ઇન્સ્ટાગ્રામ આઇડી “sanju_baba_1313” પરથી આ હુમલાનો વીડિયો પોસ્ટ થયેલો જોવા મળ્યો હતો. પ્રભુભાઈએ સરકારી દવાખાને સારવાર લીધી હતી અને ચારેય અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 118(1), 115(2), 352, 296(b), 351(3), 5 તેમજ જી.પી.એ. કલમ 135 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
રાધનપુર પોલીસે હુમલાખોરોને પકડી પાડવા આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.

IMG-20251025-WA0010-6.jpg IMG-20251025-WA0013-3.jpg IMG-20251025-WA0012-4.jpg IMG-20251025-WA0011-5.jpg IMG-20251025-WA0015-1.jpg IMG-20251025-WA0014-2.jpg IMG-20251025-WA0016-0.jpg