ભાજપ શાસકો જનહિતના કામો બાબતે ફરી એક વખત ઉદાસીન દેખાયા છે, જેનું તાજું ઉદાહરણ આજે જોવા મળ્યું. આજરોજ લગભગ એક વર્ષ બાદ જાહેર પરિવહન સમિતિની મિટિંગ મળી હતી.
કુલ 8 સભ્યોની સમિતિમાં અધ્યક્ષ સોમનાથ મરાઠે સહfત ભાજપના માંડ 3 કોર્પોરેટરો હાજર રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીના એકમાત્ર મહિલા કોર્પોરેટર શોભનાબેન કેવડિયા હાજર હતાં. એટલે કે, કોરમનો સ્પષ્ટ અભાવ વર્તાયો હતો.
મલાઈદાર કમિટીમાં હાજર રહેવામાં રસ જાહેર પરિવહન કમિટીમાં આજે આશ્ચર્યજનક સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. એક વર્ષ પછી મળતી કમિટીની બેઠકમાં પણ તમામ સભ્યો હાજર રહ્યા ન હતા. નિયમ મુજબ સભા શરૂ થયાના 30 મિનિટમાં સભ્યો હાજર થાય તો જ સભા ચાલુ થઇ શકે, નહીં તો સભા બરખાસ્ત ગણાય. એટલે કે, લાટસાહેબ સભ્યને લાવવા માટે ચેરમેને ફોન કરીને મિટિંગમાં આવવા કહેવું પડ્યું.
સભ્ય પાસે ગાડી નહોંતી તો ચેરમેને ગાડી મોકલવા સુદ્ધાની પેશકશ કરી હતી, તેવું જાણવા મળ્યું છે. મલાઈદાર પરિવહન સમિતિ ન હોવાને કારણે સભ્યોને રસ ન હોવાનું પણ જણાય આવ્યું હતું.
‘આપ’ કોર્પોરેટર અને જાહેર પરિવહન સમિતિ સભ્ય શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે, પ્રજા વિવિધ પ્રશ્નોથી પીડાઇ રહી છે અને ભાજપ શાસકો પ્રજાના પ્રશ્નો બાબતે સાવ ઉદાસીન દેખાઈ રહી છે. જાહેર પરિવહન સમિતિને લગતા કેટલાય પ્રશ્નો છે, લોકોને જોઈએ એવી મુસાફરી નથી મળતી, કંડક્ટરો મન ફાવે એમ ઉઘરાણા કરે છે, બસોની જાળવણી થતી નથી.
અનેક પ્રશ્નો બાબતે ભાજપ શાસકો ઉદાસીન દેખાઈ રહ્યાં છે. આમજ જો પ્રજાલક્ષી કામોમાં ઉદાસીનતા દાખવવામાં આવશે તો અમારે પ્રજાહિતમાં દેખાવો કરવા પડશે, અને ભાજપ શાસકોની આંખ ઉઘાડવી પડશે.