Gujarat

2025-26ના બજેટમાં 2.50 કરોડની જોગવાઈ, રાજકોટ બાદ સૌરાષ્ટ્રનું બીજું કેન્દ્ર બનશે

રાજ્ય સરકારે ભાવનગરમાં સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)નું નવું કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે.

હાલમાં રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાઓની કામગીરી ચાલે છે. ભાવનગરમાં નવું કેન્દ્ર શરૂ થતાં આસપાસના જિલ્લાઓની તાલીમ અંગેની કામગીરી અહીંથી સંભાળવામાં આવશે. આ કેન્દ્રથી સ્થાનિક યુવાનો અને સરકારી કર્મચારીઓને તાલીમનો લાભ મળશે.

વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે, વર્ષ 2025-26ના બજેટમાં આ કેન્દ્ર માટે રૂ. 2.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ પ્રત્યે સમર્પિત શહેર ભાવનગરમાં સ્પીપા કેન્દ્રની સ્થાપનાથી સ્થાનિક કક્ષાએ જ્ઞાન અને કૌશલ્યોનું સંવર્ધન થશે.

શૈક્ષણિક અને વેપાર-ઉદ્યોગ જગત સહિત નાગરિકોએ આ નિર્ણયને આવકાર્યો છે. મંત્રી નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલનો આભાર માન્યો છે.