Gujarat

વિસનગરમાં પ્રથમ વરસાદમાં કાદવ-કીચડથી શહેરીજનો તોબા

વિસનગર શહેરમાં સોમવારે સાંજે પડેલા વરસાદ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થયેલા કાદવ-કીચડને કારણે શહેરીજનો પરેશાન થઇ ઉઠ્યા છે. શહેરના કાંસા એન.એ. વિસ્તારના ગુરૂકુળ નજીક પાઇપલાઇન નાંખવાની કામગીરી માટે ખોદકામમાં પાણી ભરાઇ જતાં પરિસ્થિતિ એ ટલી હદે વિકટ બની છે કે આ સ્થળેથી નીકળવું પણ મુશ્કેલ બની જવા પામ્યું છે.

ઉપરાંત શિવનાથ બંગ્લોઝ, થલોટા રોડ, દિપરા દરવાજા, ITI ચોકડી, ધરોઇ કોલોની, ગોકુલનગર, પાલડી ત્રણ રસ્તા, ગંજબજાર રોડ સહિતના વિસ્તારમાં કાદવ કીચડ થઇ જતાં શહેરીજનો પરેશાન થઇ ઉઠ્યા છે અને વિકાસના નામે હેરાનગતિ થતી હોવાનું જણાવી રહ્યા છે.

પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીને પૂછતાં તેમણે શહેરમાં જીયુડીસી, આરએન્ડબી  યુજીવીસીએલ અને પાલિકાના અલગ અલગ સ્થળોએ કામો ચાલી રહ્યા છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે જ્યાં તમામ એજન્સીઓને સ્થળ નિરીક્ષણ કરી મરામત કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

પાલિકાના વોર્ડ-6ના નગરસેવક મનીષભાઇ બારોટના વોર્ડમાં પાણી ભરાયું હોવાથી તે સ્થળ નિરીક્ષણ કરવા ગયા હતા. જ્યાં ભરાયેલા પાણીનો ફોટો પાડી પરત બાઇક પર આવી ર હ્યા હતા તે દરમિયાન બાઇક સ્લીપ ખાઇ જતાં મનીષભાઇ નીચે પટકાયા હતા. જેમને ઇજાઓ પહોંચતાં સારવાર લેવી પડી હતી.