Gujarat

ભારે ગરમીમાં દિવસે પંખા-કૂલર બેઅસર પુરવાર, વહેલો વરસાદ કેસર કેરી માટે વેરી બને તેવી ભીતિ

કચ્છમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. દિવસ દરમિયાન ઉકળાટ વધવાથી લોકો ગરમીનો સામનો કરી રહ્યા છે.

મોટાભાગના જિલ્લામાં ધાબડિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત ચાલી રહી છે.

અરબ સાગરમાં રચાયેલા લો પ્રેશરના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી ખેડૂતોની ચિંતા વધી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, આંબાવાડીમાં કેસર કેરીનો પાક તૈયાર છે. હળવું વરસાદનું ઝાપટું પણ પડશે તો કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે.

વહેલી સવારથી મધ્યાહ્ન અને સાંજ સુધી અસહ્ય ગરમી અને બફારો અનુભવાય છે.

ગરમીથી રાહત મેળવવા ઘર અને કામકાજના સ્થળે પંખા અને કૂલર મશીન પણ અસરકારક રહેતા નથી. ભુજમાં ગઈકાલે મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું હતું.

આ પરિસ્થિતિમાં બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા છે.