Gujarat

વિજલન્સની કાર્યવાહીમાં 10.92 લાખનો દારૂ, 3 વાહનો સહિત 18.63 લાખનો મુદ્દામાલ જપ્ત

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ વિજલન્સ પોલીસે મોટી કામગીરી કરી છે. પોલીસે શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર અલગ-અલગ સ્થળોએથી દરોડા પાડ્યા હતા. આ દરોડામાં રૂપિયા 10.92 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન ત્રણ વાહનો અને પાંચ મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે. રોકડ રકમ સહિત કુલ 18.63 લાખનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો છે.

આ કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં નરેશ કાબા તળપદા, હિતેશ સતીશ પરમાર, જયદીપસિંહ ઉર્ફે ગબ્બર સોઢા, ગોપાલ ઉર્ફે નાનકો તળપદા, ઇલિયાસ ઉર્ફે મુન્નો વોરા અને મહેશ તળપદાનો સમાવેશ થાય છે.

આ તમામ આરોપીઓ વોચ રાખવાનું અને દારૂનો જથ્થો સપ્લાય કરવાનું કામ કરતા હતા. પોલીસે જણાવ્યું કે જીગ્નેશ ઉર્ફે જીગો તળપદા અને તેના ત્રણ સાગરીતો હજુ ફરાર છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.