Gujarat

મુખ્યમંત્રી દ્વારા વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે

નવરાત્રિ મહોત્સવ દરમ્યાન લોકોને મળશે કલ્યાણકારી યોજનાઓની જાણકારી

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય દ્વારા આયોજિત “વિકસિત ભારતનો અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” અંતર્ગત મલ્ટીમીડિયા પ્રદર્શનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ તથા ગોધરા દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૧ વર્ષ દરમ્યાન દેશના નાગરિકોના જીવનમાં થયેલા સુખદ પરિવર્તન તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ સિદ્ધિઓની ઝાંખી રજૂ કરવામાં આવશે.

આ પ્રદર્શન મારફતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત ૨૦૪૭”નાં સપનાને સાકાર કરવા તરફના પ્રયત્નોને માહિતી સભર સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવશે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને સિદ્ધિઓ અંગે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ આકર્ષણો, યોજનાકીય સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિઓ તથા અન્ય સર્જનાત્મક માધ્યમોથી વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

આ પ્રદર્શન ૨૨ સપ્ટેમ્બરથી ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલશે, જેમાં સ્વચ્છતા હી સેવા પ્રવૃતિઓ, ડિજિટલ ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, એક પેડ મા કે નામ અભિયાન તેમજ ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે.

પૂર્વ પ્રચાર કાર્યક્રમ તરીકે કેન્દ્રીય સંચાર બ્યૂરો, ગોધરા દ્વારા અમદાવાદની અંધજનમંડળ શાળા, મહિલા આઈટીઆઈ, મેમનગર સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, સ્વચ્છતા હી સેવા અંતર્ગત વૃક્ષારોપણ જેવી અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ સંગીત અને નાટક મારફતે સ્વચ્છ ભારત તથા અન્ય યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ પ્રદર્શન જનસામાન્ય માટે નિ:શુલ્ક ખુલ્લું રહેશે. મેળાના મુલાકાતીઓને વધુમાં વધુ સંખ્યામાં આ પ્રદર્શનની મુલાકાત લઈ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર થવા અપીલ કરવામાં આવે છે.