Gujarat

રોકાણકારોની મૂડી 6 લાખ કરોડ ઊંચકાઈ રૂ.425 લાખ કરોડ થઈ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે શેરબજાર પ્રભાવિત થઈ રહ્યું છે. ટ્રમ્પના નિર્ણયને કારણે સોમવારે બજાર ઘટ્યું હતું જ્યારે બીજા નિર્ણયમાં એક મહિના માટે મેક્સિકો અને કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફને અટકાવી દીધું છે જેની અસરે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરમાર્કેટમાં તેજી જોવા મળી છે.

સેન્સેક્સ 1397.07 પોઈન્ટ ઉછળીને 78583.81ની એક મહિનાની ટોચે પહોંચ્યો છે. ઇન્ટ્રા-ડેમાં 1471.85 પોઈન્ટ વધીને 78658.59 પહોંચ્યો હતો. નિફ્ટી 378.20 પોઈન્ટ વધીને 23739.25 બંધ રહ્યો હતો જે 3 જાન્યુઆરી પછી પહેલી વખત આ સ્તરે પહોંચ્યો છે.

રોકાણકારોની મૂડી 5.96 લાખ કરોડ વધી 425.51 લાખ કરોડ પહોંચી છે. ભારતીય શેરમાર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા એક મહિના બાદ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એફઆઇઆઇની 809.23 કરોડની ખરીદી સામે સ્થાનિક રોકાણકારો દ્વારા 430.70 કરોડનું લાંબા સમયબાદ પ્રોફિટબુક નોંધાયું હતું.

લાર્જકેપની સાથે મિડકેપ 1.35 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.20 ટકા વધ્યા હતા. જ્યારે સેક્ટોરલ ઇન્ડેક્સમાં કેપિટલ ગુડ્સમાં 3.42 ટકા, ઔદ્યોગિક 2.59 ટકા, એનર્જી 2.50 ટકા, ઓઇલ-ગેસ 2.40 ટકા, પાવર 2.31 ટકા અને ફાઇ. સર્વિસ 2 ટકા વધ્યા હતા.