જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી.એન. મોદી અને Dysp જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓએ સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયક્લોથોનમાં બે કેટેગરી રાખવામાં આવી હતી: 10 કિલોમીટર અને 25 કિલોમીટર. બંને કેટેગરીનો રૂટ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થઈને ત્યાં જ પૂર્ણ થયો હતો.

સાયક્લોથોન ઇવેન્ટમાં બંને કેટેગરી (10 કિ.મી. અને 25 કિ.મી.) નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર તમામ સ્પર્ધકોમાંથી લકી ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં બંને કેટેગરીમાંથી પ્રથમ દસ-દસ સ્પર્ધકો, એટલે કે કુલ 20 સ્પર્ધકોને જામનગર મહાનગરપાલિકા તરફથી સ્થળ પર જ નવી સાયકલ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી.

