જામનગર શહેરમાં કાર્યરત રહેલું એકમાત્ર સીંગલ સ્ક્રીન થિયેટર બંધ થતાં જામનગરના થિયેટર યુગના સુવર્ણ કાળનો અંત આવ્યો છે. જો કે, આ થિયેટરની જગ્યાએ મલ્ટી પ્લેક્સ અને મોલ બનતા હોવાનું જાણવા મળે છે. 1972માં જામનગરના જાણીતા વેપારી પેઢી રૂગનાથ ત્રિકમદાસ બદીયાણી પરિવાર દ્વારા કંકુ નિવાસ તરીકે ઓળખાતી જગ્યા લઈને ત્યાં અંબર ટોકીઝ બનાવી હતી. જેમાં પ્રથમ હિન્દી ફિલ્મ રાજાજાની રિલીઝ થઈ હતી.
ત્યાર પછી જામનગરના રાજકીય અગ્રણી અને ખંભાળીયાના ધારાસભ્ય હેમતભાઈ માડમે તે ટોકીઝ વેચાણથી લીધી હતી.અંદાજે 35 હજાર ચો. ફૂટની વિશાળ જગ્યામાં ટોકીઝ ઉપરાંત અન્ય જગ્યા પણ ફાજલ છે. હવે સ્વ. માડમભાઈના પૌત્ર અને સ્વ. વિમલભાઈના પુત્ર જીતભાઈ માડમ દ્વારા અહીં પાંચ માળનું વિશાળ અને અતિ આધુનિક સ્ટ્રક્ચરવાળુ બિલ્ડીંગ નિર્માણ કરવામાં આવશે તેમ જાણવા મળે છે વર્ષ 1977માં વાવાઝોડામાં અંબર ટોકીઝના રૂફના પતરા ઊડી ગયા હતા અને ત્યારે ત્રણેક મહિના જેટલો સમય ટોકીઝ બંધ રાખ્યા પછી નવા કલેવર સાથે પુન: શરૂ થઈ ગઈ હતી.
અંબર ટોકીઝ જામનગરના સિને રસીકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. હવે આ વિશાળ જગ્યામાં જામનગરની સિનેરસીક જનતાને અતિ આધુનિક સુવિધાઓ સાથેના બે સ્ક્રીન સાથેના મલ્ટીપ્લેકસની તેમજ મોલ ની ભેટ મળશે.