જૂનાગઢ ગિરનારી ગિરીકંદરાઓની હરીયાળી વનસૃષ્ટી સંગાથ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી
આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરવા આવો સૈા સાથે મળી વહેવાર, કાર્ય અને પરસ્પરનાં સહયોગમાં આત્મિયતાના ભાવ કેળવીએ
પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણ કુલપતિ
જૂનાગઢ તા. ૧૫, ગિરીવર ગિરનારની લીલીછમ્મ ગીરકંદરાઓના પ્રાકૃતિક હરિયાળી વનસંપદાઓ સમીપ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે ત્રીરંગો લહેરાવી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોની, પરીક્ષા નિયામક ડો. ડી.એચ. સુખડીયા અને વિવિધ ડિપાર્ટમેન્ટનાં વડા ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા.
આ પ્રસંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે સ્વાધિનતા સંગ્રામનાં સ્વાતંત્ર સેનાનીઓને ભાવવંદનાં કરી પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે આજે દેશ ૭૯મો સ્વતંત્રતા દિવસ ‘વિકસીત ભારત’ પર ધ્યાન કેન્દ્રિત કરતા ઉજવી રહ્યો છે.આવનાર સમયમાં ભારતદેશ વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં આવો આપણે સૈા આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રી શ્રીની પરિકલ્પનાને સાકાર કરવા આપણાં કાર્યમાં, વ્યવહારમાં અને પરસ્પર સહયોગમાં હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરીએ. સૈાને યાદ હશે જ કે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવાઇ રહ્યો છે જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની લોકલડત અને અસંખ્ય બલિદાન દ્વારા ભારતને એક લોકશાહી ગણરાજ્યના રૂપમાં સ્થાપિત કર્યું. લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા “લોકોની, લોકો દ્વારા, લોકો માટે” સરકારનો પાયો નાખ્યો છે. સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે. આવો આપણે સૈા આપણાં દેશને વ્યસન-નશામુક્ત બનાવીએ, પ્રકૃતિ અને પર્યાવરણનું સંવર્ધન કરીએ, શહિદો, સ્વાતંત્ર સેનાનીઓ અને મહિલાઓને આદરભાવ આપીએ,
આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સરહદનાં સૈનિકોનાં બલીદાનને યાદ કરી ડો. પ્રતાપસિંહજી ચૈાહાણે શ્રધ્ધાંજલી અર્પણ કરી યુનિ.નાં કાર્યમાં સૈા સહયોગી કર્મયોગીઓ, અને સેવારથીઓને બિરદાવી સૈાને સ્વાતંત્ર દિવસની શુભકામનાં પાઠવી હતી.
આ તકે સજ્જતા, નિયમન, તાલીમબધ્ધ કાર્યદક્ષતા, નિયમિતતા પ્રમાણિકતા, નીતિમત્તા સાથે કાર્ય કરતા કર્મયોગીઓ, વિવિધ ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિભાગીય વડા, શોધસ્કોલર, પેટન્ટ રજિસ્ટર કરાવનાર સંશોધકો, અલગ-અલગ ક્ષેત્રે શૈક્ષણિક સિધ્ધીઓ હાંસલ કરનારને કુલપતિ પ્ર.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે બીરદાવી આવનાર દિવસોમાં યુનિ. નવી ઉંચાઇ હાંસલ કરે તે દિશામાં યોગદાન આપવા હિમાયત કરી હતી.
યુનિ.નાં સ્વભંડોળ સુરક્ષાનીધિ ધનરાશીમાંથી યુનિ. કાર્યક્ષેત્રીય કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વાઘેલા ધવલ સોમાતભાઇ અકાળે નિધન થયાનાં વાવડ થતાં કુલપતિશ્રીએ દિવંગત વિદ્યાર્થીઓનાં પરિવારને રૂા. એક લાખ રૂપિયાની ધનરાશીનો ચેક અર્પણ કરી દિવંગત વિદ્યાર્થીને શોકાંજલી અર્પણ કરી તેમનાં પરિજનોને આશ્વાસન પુરૂ પાડ્યુ હતુ.
સરકારી પોલીટેક્નીકનાં આચાર્ય ડો. આર.કે.પરમાર, સોશ્યોલોજી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. જયસિંહ ઝાલા, કોમર્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. ભાવસિંહ ડોડીયા, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. અતુલ એચ. બાપોદરા, ઈતિહાસ વિભાગનાં વડા પ્રો. વિશાલ જોષી, લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. સુહાસ વ્યાસ,હિસાબી અધિકારી ડો. કિર્તીબા વાઘેલા, યુનિ.નાં વિવિધ વિભાગોનાં અધ્યાપકો, વહિવટી કર્મચારીઓ, યુનિ. ભવન અને પોલીટેક્નીકનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રજીસ્ટ્રાર મયંક સોની, સલીમભાઇ સીડા, જીતેન્દ્ર ભાલોડીયા, મીડિયા કન્સલટન્ટ અશ્વિન પટેલ સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્યાયે સંભાળ્યુ હતુ.
રિપોર્ટર મહેશ કથીરિયા