વેરાવળના ભેટાળી ગામમાં એક ગાયને કુવામાંથી સફળતાપૂર્વક બચાવવામાં આવી છે. આ ઘટના ખેડૂત મનુભાઈ વાઢેરની વાડીમાં બની હતી.

સવારના સમયે એક રખડતી ગાય અકસ્માતે વાડીમાં આવેલા ખુલ્લા કુવામાં પડી ગઈ હતી. વાડીના માલિકને આ અંગે જાણ થતાં તેમણે તરત જ ગામની કામધેનુ ગૌશાળા ગ્રૂપનો સંપર્ક કર્યો હતો.

ગોસેવક જયદિપ ડોડિયા અને અન્ય યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગાયને બચાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. લગભગ 50 ફૂટ ઊંડા કુવામાંથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.

સમયસર રેસ્ક્યૂ થવાથી ગાયનો જીવ બચી ગયો હતો. હાલમાં અશક્ત બનેલી ગાયની કામધેનુ ગૌશાળામાં સારવાર ચાલી રહી છે. ગામના લોકોએ ગોસેવક યુવાનોની આ સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી.

