Gujarat

ભચાઉના લાકડીયામાં શહીદ ભગતસિંહ ગ્રૂપે કેન્ડલ માર્ચ યોજી

જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા ભચાઉના લાકડીયા ગામમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. શહીદ ભગતસિંહ સેનાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના સંસ્થાપક નીલ વિઝોડા અને સામાજિક કાર્યકર્તા ઝાકીર રાઉમા સહિત ગામના અગ્રણીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં લાકડીયા સરપંચ સુલેમાન ઘઘડા, માજી ઉપસરપંચ લાભશંકર ગામોટ, પંચાયત સભ્ય મુકેશભાઈ જાટાવાડીયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ કેન્ડલ માર્ચમાં જોડાઈને આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો.

લાભશંકર ગામોટે જણાવ્યું કે આવી ઘટનાઓ દેશ માટે આઘાતજનક છે, પરંતુ દેશની એકતા અને અખંડિતા હંમેશા અકબંધ રહેશે. નીલ વિઝોડાએ આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા કહ્યું કે આ કૃત્યમાં સામેલ તમામ લોકોને કડક સજા થવી જોઈએ.