અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખેડા જિલ્લા ભાજપે નડિયાદના સંતરામ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. સત્સંગભવન ખાતે યોજાયેલી આ સભામાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને સંજયસિંહ મહિડા પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
સભામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મૃતકોની તસ્વીરોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સંતરામ મંદિરના મહંત પૂ.રામદાસજી મહારાજે પણ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સભામાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સદગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. સાથે જ તેમના પરિવારજનોને દુःખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરાઈ. આ શ્રદ્ધાંજલિ સભામાં જિલ્લા-શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, નડિયાદના અગ્રણીઓ અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

