Gujarat

મીરજાપર સભા સ્થળ નજીકના માર્ગો બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિદૂર બાદ પ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેમની ભુજ મુલાકાતને લઈને કલેકટર આનંદ પટેલે ટ્રાફિક નિયંત્રણનું જાહેરનામું બહાર પાડ્યું છે.

કલેકટરના હુકમ મુજબ, 26 મે 2025ના રોજ બપોરે 1થી સાંજે 7 વાગ્યા સુધી ભુજ શહેરના કેટલાક માર્ગો બંધ રહેશે.

36 કવાટર્સ ત્રણ રસ્તાથી એરપોર્ટ ત્રણ રસ્તા, કોડકી ચાર રસ્તા, ત્રિમંદિર અને પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી ભગવતી ચાર રસ્તા સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે, 36 કવાટર્સથી સરપટ નાકા થઈને ભુજ શહેરમાં પ્રવેશી શકાશે. માંડવી, માતાના મઢ, નખત્રાણા અને નારાયણ સરોવર જવા માટે 36 કવાટર્સથી રેલ્વે સ્ટેશન, આત્મારામ સર્કલ, RTO સર્કલ થઈને મિરઝાપર ગામ તરફનો માર્ગ ઉપલબ્ધ રહેશે.

ભુજ શહેરમાં પ્રવેશ માટે મિરઝાપર ગામના બે નંબરના ગેટથી ગૌશાળા થઈને મુંદરા રોડ માર્ગનો ઉપયોગ કરી શકાશે.

સરકારી વાહનો, પોલીસ અધિકૃત વાહનો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.