નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને દીપડાને પકડવા માટે યોગ્ય સ્થળે પાંજરું ગોઠવ્યું હતું.
ગત મોડી રાત્રે આશરે બે કલાકે આ દીપડો ગોઠવેલા પાંજરામાં ફસાયો હતો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વન વિભાગને ફરીથી જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાનો કબજો લીધો હતો. દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગના જંગલોમાંથી દીપડાઓ શિકારની શોધમાં નવસારી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા છે. અહીં શેરડી અને ડાંગરના ખેતરો, ચીકુ અને આંબાવાડીઓ, નદીઓ અને કોતરો તેમને રહેવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ વિસ્તારોમાં શિકાર પણ સરળતાથી મળી રહે છે, જેના કારણે દીપડાઓને ખેતરો અને વાડીઓ માફક આવી રહી છે.

