Gujarat

મહાકુંભ પાછો તરત આવશે નહિ, અને આવશે તો, તું હાજર હશે નહિ..

મન અંજુમન
ડૉ. સ્નેહલ નિમાવત
9429605924

મહાકુંભ પાછો તરત આવશે નહિ,
અને આવશે તો, તું હાજર હશે નહિ..

તું પહેરેલાં કપડે જ નીકળી જા જલ્દી,
તને કાળ આ તક ફરી આપશે નહિ..

સમય કાઢ કાયાના કલ્યાણ માટે,
એ તારા સિવાય અન્યને ફાવશે નહિ..

નથી આઠમા તારા પૂર્વજ તને યાદ,
તનેય આઠમી પેઢી સંભારશે નહિ..

તું મનથીય ગંગામાં મારી લે ડૂબકી,
એ મા છે, તો ક્યારેય ધિક્કારશે નહિ..

છે દરખાસ્ત મારી, ત્યાં જઈ આવ, ‘ધીરજ!’
તું અહીં રહીને પણ ધાડ કંઈ મારશે નહિ..

લગીર જાત માટે તું સ્વાર્થી બની જા,
બધે સાવ ‘નિઃસ્વાર્થ’ થઈ ચાલશે નહિ..
ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’.
કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. જેથી એ ભારતીય ઉપખંડમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ મેળો દર બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ-અલગ સ્થાન પર યોજાય છે તેમાં હરિદ્વાર (ઉત્તરાખંડ), પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ), ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) અને નાસિક (મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. આ મેળો દોઢથી ચાર મહિના સુધી ચાલે છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પવિત્ર નદીનાં પાણીમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. સાધુ-સંતોને પહેલા સ્નાનનો અધીકાર દેવતાઓ દ્વારા આપવામા આવ્યો છે. વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવવાળું બની જાય છે. ઘણા શ્રધ્ધાળુઓ મેળો ચાલે ત્યાં સુધી તંબુઓમા રહે છે. આ સમયગાળાને ‘કલ્પવાસ’ કહે છે અને ત્યાં રહેવાવાળાને ‘કલ્પવાસી’ કહેવાય છે.
૨૦૨૫ પ્રયાગ કુંભ મેળો- કે જેને ૨૦૨૫ મહાકુંભ તરીકે પણ ઓળખાય છે- પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારતના ત્રિવેણી સંગમ ખાતે ૧૩મી જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન યોજાનાર મહા કુંભ મેળાની આવૃત્તિ છે. કુંભ મેળાની આ ‘ભવ્ય’ પુનરાવૃત્તિ એ ૧૪૪ વર્ષમાં એક વખતની ઘટના છે જે ૪૪ દિવસ સુધી ચાલશે. [૧][૨] આ મેળામાં કુલ ૪૦ કરોડ મુલાકાતીઓ આવવાનો આશરો છે.
કવિ શ્રી ડૉ. ધીરજ એસ. બલદાણિયા ‘નિઃસ્વાર્થ’ ની આ કવિતા છે. તેમની કવિતા સચોટ અને સૂચક છે. આધ્યાત્મિકતા આ કવિતામાં સહજે વણાઈ ગયો છે. આ વર્ષે જે કુંભમેળો યોજાઈ રહ્યો છે એનું માહાત્મ્ય આ કવિતામાં વણાઈ ગયું છે.
આ કુંભમેળો 144 વર્ષ પછી આવશે અને ત્યારે તું હાજર હશે નહીં. અત્યારે એનું મહત્વ સમજી કુંભમેળામાં જઈ મન શાંત અને પવિત્ર થાય એવો પ્રયત્ન અને અનુભવ કરવો જોઈએ.
સમયને વ્યર્થ બગડ્યા વગર જ આ કુંભમેળા માં જઈ આવ. સમય આ તક ફરી કોઈ કાળે આપશે નહીં. સમય સમજીને તરત જ કુંભમેળામાં જઈ આવવું જોઈએ. એકવાર સમય હાથમાંથી નીકળી ગયા પછી ફરી આવતો નથી.
આપણી આત્મા માટે આપણે સમય કાઢવો જ જોઈએ. આપણું અંતિમ લક્ષ્ય તો ઈશ્વર સુધી પહોંચવાનું જ છે. આપણું સારું આપણે જ સમજવું પડશે અને આપણે જ કરવું પડશે. આપણા સિવાય દુનિયામાં આપણું પોતીકું કોઈ નથી. એક ઈશ્વર છે એ જ આપણો છે. તો એના સુધી પહોંચવાનો માર્ગ મળે કે તરત જ પહોંચી જવું જોઈએ.
આપણને આપણા પૂર્વજો યાદ નથી અને આપણે પણ આપણા બાળકો માટે પૂર્વજો બની જઈશું ત્યારે કોઈને યાદ પણ નહીં આવીએ. તો આપણું વર્તમાન આપણા હાથમાં છે અને આ દિવ્ય ક્ષણ આવી છે તો એનો લાભ ચોક્ક્સ લેવો જ જોઈએ.
આપણી મા આપણને ક્યારેય ધિક્કારશે નહીં. તો ગંગામા તો ક્યારેય ન ધિક્કારે. ગંગા મા માં સ્નાન કરી મન પવિત્ર કરીએ. કુંભમેળામાં સ્નાન કરી ત્રિવેણી સંગમ થી તો મન વધુ પવિત્ર અને દિવ્ય બને છે. જીવનમાં ઈશ્વરની ધન્યતા અનુભવીએ અને ભક્તિ ભાવથી જીવન જીવીએ…
કુંભમેળામાં ન જવાના કોઈ બહાના ન શોધીશ. અહીંયા રહીને પણ કોઈ એવું કામ નથી જે પછી ન થાય. સમયની ગંભીરતા સમજીને પવિત્ર સમયનો લાભ લઈ જ લેવો જોઈએ. બાકીના કામ તો પછી પણ થઈ શકે. એવું કોઈ કામ નથી જેના વગર દુનિયા અટકી જાય….
પોતાના માટે આટલું સ્વાર્થી બની જવું જોઈએ. ઈશ્વર સાથેનો સબંધ જ પહેલો અને છેલ્લો સંબંધ છે. તો ઈશ્વર સુધી પહોંચવાની આ સીડી જતી ન જ કરાય. બધે બીજાની ખુશી માટે જીવીએ તો પોતાના માટે તો હવે કંઈક કરવાનો મોકો મળ્યો છે એને જતો ન જ કરાય…
ટૂંકું ને ટચ
ઈશ્વર સુધી પહોંચવા જે કંઈ કરવું પડે એ કરવું જ જોઈએ.

9426555756

IMG-20250216-WA0010.jpg