Gujarat

દૈનિક 350 મુસાફરોને વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ, મહાવીર જયંતિએ જૈન સંસ્થા પણ જોડાઈ

કચ્છમાં આકરી ગરમી વચ્ચે રાપર એસટી ડેપોએ માનવતાની મિસાલ પેશ કરી છે. અત્યારે 40-45 ડિગ્રીની ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણમાં લોકોને રાહત આપવા માટે એસટી ડેપો દ્વારા છાશ વિતરણની સેવા શરૂ કરવામાં આવી છે.

જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચના મુજબ, રાપર ડેપો મેનેજર જયદીપ જોશીના નેતૃત્વમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. વેરશીભાઈ, શરીફભાઈ ચૌહાણ, મોહનભાઈ બારોટ સહિતના કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી મુસાફરોને ઠંડી મસાલેદાર છાશનું વિતરણ કરી રહ્યા છે. દરરોજ લગભગ 350 જેટલા મુસાફરો અને વટેમાર્ગુઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે.

મહાવીર જયંતિના શુભ અવસરે રાપર જૈન જાગૃતિ સેન્ટરે પણ દેના બેંક ચોક ખાતે રાહદારીઓ માટે ઠંડી છાશની વ્યવસ્થા કરી હતી. આ કાર્યમાં રાપર પીઆઈ જે.બી. બુબડીયા અને ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડનો સહયોગ મળ્યો હતો.

મહાવીર જયંતિ નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટરે જીવદયાની પ્રવૃત્તિઓ પણ હાથ ધરી હતી. રાપર અને આસપાસની પાંજરાપોળમાં લીલાચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિલપર બાળકો, ગ્રામ્ય સેવા સંગઠન તથા નિલપર અને ત્રંબો પાંજરાપોળમાં ઘાસચારાનું વિતરણ કરાયું હતું. આ સમગ્ર આયોજન જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદ દોશી અને તેમની ટીમે કર્યું હતું.