મચ્છર નહીં તો રોગ નહીં
લોકો ને મચ્છર ઉત્પતિ અટકાવવા આગળ આવવા મેલેરીયા શાખા, જીલ્લા પંચાયત અમરેલી ની વિશ્વ મચ્છર દિવસે અપીલ
અમરેલી મેલેરીયા,ડેન્ગ્યુ, ચીકુનગુનિયા,હાથીપગા અને ઝીકા વાયરસ જેવા રોગોનો ફેલાવો મચ્છર કરે છે.આ મચ્છર આપણા ઘર અને ઘર ની આસપાસ ભેગા થતા ચોખ્ખા,ખુલ્લા અને બંધિયાર પાણી માં તેના ઈંડા મુકે છે.ઈંડા માંથી પોરા,પોરા માંથી કોશેટો અને કોશેટા માંથી મચ્છર બને છે.મેલેરીયા,ડેન્ગ્યુ, ચીકુનગુનિયા,હાથીપગા અને ઝીકા વાયરસ ના દર્દી ની મચ્છર કરડે ત્યારે રોગ ના જીવાણું મચ્છર ના શરીર માં જાય છે.મચ્છર ના શરીર માં જીવાણુંઓ નો વિકાસ થાય છે અને તે ફરી કોઈ તંદુરસ્ત વ્યક્તિ ને કરડે ત્યારે તેની લાળ મારફતે તંદુરસ્ત વ્યક્તિ ના લોહી માં ભળે છે.માણસ ના લોહી માં જીવાણું ભળવા થી થોડા દિવસે તાવ આવે છે અને વ્યક્તિ બિમાર પડે છે.એક મચ્છર આ રીતે અનેક લોકો ને બિમાર કરી ખર્ચ ના ખાડા માં ઉતારે છે. બિમાર પડી હેરાન થવા કરતા આપણા ઘરમાં કે ઘર ની આસપાસ ક્યાંય પીવા નું કે વાપરવા નું પાણી ખુલ્લું રહેવા ન દઈએ તો મચ્છર ક્યાંય ઈંડા મુકી શકે નહીં.મચ્છર નહીં તો રોગ નહીં.
મચ્છર નિયંત્રણ નું આ કાર્ય લોકોના સાથ સહકાર વિના એકલું આરોગ્ય તંત્ર કરી શકે નહીં.ગામ,શેરી,મહોલ્લા,સોસાયટી ના રહીશો,ગામ આગેવાનો,વેપારીઓ,ગૃહિણીઓ,વિધાર્થીઓ…તમામે આ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે. આપણા ઘર ની અગાસી થી શરૂવાત કરીએ.અગાસી,છત,છાપરા ઉપર જુના ટાયરો,તૂટેલા ફૂટેલા વાસણો,ભંગાર માલ સામાન સાચવી ને રાખ્યો હશે તો એમાં વરસાદી પાણી ભરવાથી તે મચ્છર બનાવવાની ફેક્ટરી બની જશે.તેથી આવી તમામ વસ્તુઓ કે જેમાં પાણી ભરાય શકે તેનો નિકાલ કરી દઈએ.નિકાલ / નાશ થાય એમ ન હોય તો તેને ઊંધા મૂકી ને કે તેમાં પાણી ભરાય નહીં એ રીતે ઢાંકી ને રાખીએ.અગાસી માંથી નીકળતા પાણી ના ભૂંગળા આડે કોઈ કચરો તો ભરાયેલ હોય તો દૂર કરીએ.અગાસી માંથી પૂરેપૂરું પાણી દડી ને વહી જાય એવો ઢાળ રાખીએ.
ઘર માં પાણી ભરવા રાખેલ તમામ વાસણ,ટાંકી,ટાંકા, ડોલ,માટલા ફરજિયાત ઢાંકી ને જ રાખીએ.એમાં જરા પણ ખુલ્લું રહ્યું તો મચ્છર ઈંડા મુકી જશે.ઈંડા નરી આંખે દેખાશે નહીં.ઈંડા માંથી પોરા થાય ત્યારે ખબર પડે. એ માટે તમામ પાત્રો અઠવાડિયે એક વાર તપાસો.જો તેમાં પોરા હોય તો તરત તેને દૂર કરો. એકાંતરા દિવસે પાત્રો ખાલી કરી તેની ઉપલી સપાટી ઘસી ઘસી ને સાફ કરો જેથી તેમાં મચ્છર ના ઈંડા હોય તો તેનો નાશ થાય. પાત્ર ને તડકે સુકવી પુરે પૂરૂં સુકાય પછી જ તેમાં ફરી પાણી ભરો.
ઉનાળા માં પક્ષીઓને પાણી પીવા માટે પક્ષી કુંજ રાખવા સારી બાબત છે પણ જો તેની કાળજી લેવામાં ન આવે તો આખી શેરી/ સોસાયટી ને ડેન્ગ્યુ કે ચીકુનગુનિયા ની ભેટ આપી શકે છે.તેમ થવા ન દેવું હોય તો તેને બહુ ઊંચે ન બાંધો, આપણી આંખ અંદર જોઈ શકે,રોજ ઉતારી શકાય,સાફ કરી શકાય એમ રાખો. તેને રોજ સવારે ઉતારી,અંદર વાયર કે બ્રશ થી ઘસી ને સાફ કરો અને તાજું પાણી ભરો.અઠવાડિયે એક વાર તેને કોરું રાખી તડકે સૂકવો.તેમાં મચ્છર ના પોરા થવા નો સહુ થી મોટો ભય છે એ હંમેશા યાદ રાખો.વરસાદ થાય પછી પક્ષીકુંજ ઉતારી તેમાં પાણી ભરાય નહીં એ રીતે મુકી દેવા.
ઘર ની આસપાસ ક્યાંય પાણી ભરાયેલું ન રહે એની કાળજી લો.ક્યાંય પાઇપ લાઈન કે ગટર નું લીકેજ હોય તો તરત સમારકામ કરાવો.ગામ ના અવેડા, હોજ ,ખુલ્લા સંપ,સિમેન્ટ ટાંકીઓ જેની સાફસૂફી નિયમિત થઈ શકતી નથી અને ત્યાં મોટા પ્રમાણ માં મચ્છર પેદા થાય છે.તેથી આવા સ્થાનો માં મચ્છર ના પોરા ખાય જાય એવી પોરા ભક્ષક ગપ્પી માછલી મુકો.આ નાનકડી માછલી મોટું કામ કરે છે. એ મચ્છર ના પોરા ને જ ખાઇ જાય છે.તેથી મચ્છર થતા નથી.
જાહેર બાગ બગીચા,મંદિર,મસ્જિદ,બસ સ્ટેન્ડ,શાળા,કોલેજ વગેરે માં પણ સાફ સફાઈ રાખી ક્યાંય પાણી ભરાયેલું ન રહે એનું ધ્યાન રાખી એક જવાબદાર નાગરિક બનીએ.
આ બધા ઉપાયો સારી રીતે કરીએ તો મચ્છર ઉત્પતિ ચોક્કસ ઘટે.સાથોસાથ મચ્છર ના ડંખ થી પણ બચવા ના ઉપાયો કરીએ.આખું શરીર ઢંકાય એવા કપડા પહેરીએ.હવા ઉજાસ વાળા વાતાવરણ માં રહીએ.મચ્છર મોટા ભાગે સૂર્યોદય સમય અને સૂર્યાસ્ત સમયે બહાર થી આપણા ઘર માં આવે છે.એટલે આ સમયે ઘરના બારી દરવાજા બંધ રાખીએ.બારી બારણા માં મચ્છર જાળી લગાવવા થી મચ્છર ઘર માં આવતા અટકે છે.ઘર માં સવાર સાંજ લીમડો,ગુગલ કે લોબાન નો ધૂપ / ધુમાડો કરવાથી મચ્છર ઘર માંથી બહાર ભાગી જાય છે.વધુ રક્ષણ માટે મચ્છર અગરબત્તી,સ્પ્રે,રેકેટ,કાર્ડ જેવા સાધનો નો ઉપયોગ કરવાથી મચ્છર થી બચાવ થાય છે.કાયમી ધોરણે મચ્છરદાની માં સુવાની ટેવ મેલેરીયા થી આપણને ચોક્કસ બચાવે છે.તેમાં હવે તો દવાયુક્ત મચ્છરદાની પણ આવે છે.જેના તાંતણા માં જ એવી દવા લગાડેલી હોય છે કે એના પર મચ્છર બેસે તો તેને લકવો થઈ જાય છે અને નાશ થાય છે ! આવી મચ્છરદાની માખી, ચાંચડ, વંદો,ગરોળી, કાન ખજૂરો જેવા જંતુઓ થી પણ બચાવે છે.
આમ,સાવ સરળ રીતે મચ્છર ઉત્પતિ અટકાયત અને મચ્છરથી બચવા ના ઉપાયો કરવાથી આપણે મહા ભયંકર ડેન્ગ્યુ,મેલેરીયા, ચીકુનગુનિયા જેવા રોગો ના હાહાકાર થી બચી શકીએ છીએ.એક સમુદાય જો આ બાબતો ને સમજે અને અમલ માં મુકે તો તે ચોક્કસ વાહક જન્ય રોગ મુક્ત બને છે. આવો આપણા ઘર પરિવાર ને ડેન્ગ્યુ,મેલેરીયા, ચીકુનગુનિયા મુકત કરવા સંકલ્પ કરીએ. રિપોર્ટ નટવરલાલ ભાતિયા