દર વર્ષે 23 મે નો દિવસ વિશ્વ ટર્ટલ દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વના ટર્ટલ (દરિયાઈ કાચબા) અને ટોર્ટૉઇસ (જમીન પર રહેતા કાચબા) વિશે જાગૃતિ ફેલાવવી અને તેમની પ્રજાતિઓની રક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવી. કાચબાના નામ પરથી પડેલું કચ્છનું નામ અને તેનો દરિયા કાંઠો સૌથી વિશાળ અને વૈવિધ્યસભર દરિયાઇ જીવન ધરાવે છે.
કચ્છના માંડવી તાલુકાના બાડા ગામના દરિયાઈ વિસ્તારમાં ઓલિવ રીડલી સી ટર્ટલ મોટી સંખ્યામાં જોવા મળે છે. અને કચ્છનું બાડા ગામ કાચબાઓના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે માદા કાચબા અહીં ઇંડા આપવા માટે આવે છે. જેનું રક્ષણ અહીંના વન વિભાગના કર્મચારીઓ, સ્થાનિક લોકો અને માછીમારો કરતા હોય છે.
તટીય વિસ્તારો જખૌ અને માંડવીના રેતાળ વિસ્તારો આ કાચબાઓને ઈંડા આપવા માટે શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડે છે. દરિયાઇ કાચબાઓનું આયુષ્ય 150 થી 200 વર્ષનું હોય છે. તેઓ રેતાળ કાંઠે માળો(ખાડો) ખોદીને ઇંડા મૂકે છે અને તેમના ફૂટમાર્કથી માળાનું કેમોફ્લેજ કરે છે.
કાચબાના બચ્ચાઓને અનેક ખતરાઓનો સામનો કરવો પડે છે. થોડા વર્ષોથી કચ્છમાં સમુદ્રી કાચબા માટે જોખમ ઉભું થયું છે. જેમાં મુખ્ય કારણ દરિયાઈ કાચબા પ્લાસ્ટિકને જેલીફિશ સમજીને તેને પચાવી લે છે અને જે તેમના અન્નમાર્ગને બ્લોક કરે છે જેનાથી તેમનું મૃત્યુ થાય છે. ટર્ટલના ઈંડા મૂકવાના સ્થળ પર હોટેલ, રિસોર્ટ વગેરેનું નિર્માણ તેમને જોખમરૂપ બન્યું છે.
આ ઉપરાંત ચંદ્રના પ્રકાશ પર નિર્ભરતા કાચબાઓને બીચ પર મૂકેલી લાઇટો પણ તેમના સાચા માર્ગથી ભટકાવવામાં ભાગ ભજવે છે. મરીન બાયોલોજિસ્ટ ડૉ. મનિષા ગોસ્વામી તેમના રક્ષણ માટે શું કરવું જોઈએ તે બાબતે જણાવે છે કે, સ્થાનિક NGO અને યુવાનોની મદદથી ટર્ટલ નેસ્ટિંગ સમયગાળામાં દરરોજ મોનિટરિંગ કરવું અને તેની જાણ જંગલખાતા ને કરાવી તેનું રક્ષણ કરાવવું જોઈએ.
માછીમારોને ખાસ ટર્ટલ સંરક્ષણ માટે વપરાતી Turtle Excluder Device (TED) અંગે તાલીમ આપી તેને વાપરવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. ઈંડા મળવાના સંભવિત સ્થળે signage મૂકી લોકોની અવરજવર અટકાવવી જોઈએ.
કચ્છના સમુદ્રી વિસ્તારમાં જોવા મળતી મુખ્ય દરિયાઈ પ્રજાતિઓ
માંડવી અને જખૌમાં બે પ્રકારની દરિયાઈ કાચબાની પ્રજાતિ જોવા મળે છે. 1. ગ્રીન સી ટર્ટલ. જે અદ્ભુત રીતે મોટા કદવાળા અને સમુદ્રના સાવજ કહેવાતા આ ટર્ટલ કચ્છના રેતાળ કાંઠા પર ઈંડા આપતા જોવામાં આવ્યા છે અને 2.ઓલિવ રેડલી ટર્ટલ. આ સૌથી સામાન્ય દરિયાઈ કાચબા છે જે ભારતના પશ્ચિમ કાંઠે ઈંડા મૂકે છે અને દર વર્ષે ડિસેમ્બર થી માર્ચ દરમિયાન તેઓ કચ્છના તટે જોવા મળે છે.

