Gujarat

પરણિત યુવક અને યુવતીએ હરસિધ્ધિ સોસાયટી પાસે સજોડે ગળેફાંસો ખાધો

વેરાવળ શહેરની હરસિધ્ધિ સોસાયટી પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે સોસાયટીના છેવાડાના ભાગે આવેલી અવાવરુ જગ્યામાં એક યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની માહિતી મળતાં વેરાવળ સીટી પોલીસના PSI જી.એન.કાછડ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવક-યુવતી ખારવા સમાજના હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવકની ઓળખ કમલેશ કિશનભાઈ ભારાવાલા (ઉંમર 29) તરીકે થઈ છે, જે પરણિત હતો. યુવતીની ઓળખ નંદની વેલજીભાઈ કુહાડા (ઉંમર 20) તરીકે થઈ છે.

પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.