ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓમાં ચિંતા, તણાવ, ભય અને ડિપ્રેશન દૂર કરવાના હેતુથી ‘મિશન બાલમન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જીઆઈડીસી, ચિત્રા ખાતે યોજાયો હતો. શાળાના આચાર્ય બી.ઓ. પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

માનનીય કલેક્ટર ની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની માનસિક સજ્જતા વધારવા અને તણાવ-ચિંતા-ભય દૂર કરવા માટે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર્સ ડૉ. કેયૂર પરમાર, ડૉ. નિમિત્ત ઓઝા અને નેહલબેન ગઢવીએ પ્રેરક ઉદ્બોધન કર્યા હતા.

કલેક્ટરએ પોતાના જીવનના ઉદાહરણો દ્વારા સરળ અને સહજ શૈલીમાં મનનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. રિચાબેન બંસલે શારીરિક તંદુરસ્તીની સાથે-સાથે માનસિક તંદુરસ્તીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય કે.પી. સ્વામીએ પ્રેરક માર્ગદર્શન આપી આશીર્વચન પાઠવ્યા હતા.
