Gujarat

નડિયાદમાં રાતોરાત વિશેષ મિટિંગ ગોઠવાતાં 200થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસો બંધ રહી

ખેડા જિલ્લામાં આવેલી પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં ખાતાધારકો આવતાં હોય છે. જેમાં જિલ્લામાં આવેલી 200 થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસ બુધવારે બંધ હાલતમાં જોવા મળી હતી. અધિકારી દ્વારા મિટીંગમાં કર્મચારીઓને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવતાં બ્રાંચ ઓફિસો બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ મીટીંગમાં ખેડા, કપડવંજ, નડિયાદ અને ખંભાતની ઓફિસના કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. બ્રાંચ પોસ્ટ ઓફિસ બંધ રહેતાં 10 હજારથી પણ વધુ ખાતાધારકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો.

ખેડા જિલ્લામાં આવેલી પોસ્ટ ઓફિસમાં વિવિધ કામ માટે લોકો આવતાં હોય છે. ગ્રાહકોની સુવિધા માટે મુખ્ય પોસ્ટ ઓફિસ ઉપરાંત બ્રાન્ચ પોસ્ટ ઓફિસ પણ પોસ્ટ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવી છે. જેમાં ખાતાધારકોને મહત્તમ સુવિધાઓ આપવામાં આવે છે.

ખાતાધારકો પૈસાની લેવડદેવડ સહિતની કામગીરી માટે નજીકમાં આવેલી ઓફિસમાં જ જતાં હોય છે. જેમાં પોસ્ટ માસ્ટર અને કર્મચારીઓ તેમજ અધિકારીઓ હાજર રહે છે. જિલ્લામાં આવી 500 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસો આવેલી છે.

આ પોસ્ટ ઓફિસોમાં બુધવારે સવારથી જ તાળાં લટકતાં જોવા મળ્યા હતા. જેમાં પોસ્ટ ઓફિસના રાજ્યકક્ષાના અધિકારી (પોસ્ટ માસ્તર જનરલ) દ્વારા નડિયાદ ખાતે એક વિશેષ મિટીગનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટીંગમાં જિલ્લામાં આવેલી સબ ઓફિસમાંથી પોસ્ટ માસ્ટરોને બોલાવવા આવ્યા હતા. જેને લઈ જિલ્લામાં 200 કરતાં પણ વધારે સબ પોસ્ટ ઓફિસો (બ્રાન્ચ) બંધ જોવા મળી હતી. જોકે, અધિકારી આવવા બાબતે કોઇ પત્ર વ્યવહાર કરવામાં આવ્યો ન હતો.

કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જ બુધવારે સબ પોસ્ટ ઓફિસ બંધ રાખવામાં આવતાં લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. આ મિટીંગમાં ખેડા જિલ્લાના અને આણંદ જિલ્લાના 253 કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.