બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે.
વડગામ તાલુકામાં 9 ઇંચ અને પાલનપુર તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, ડીસા, કાંકરેજ અને દિયોદર સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદ થયો છે.
ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મગફળી અને બાજરીના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
તૈયાર પાકના ખેતરોમાં પાણી ભરાવાને કારણે મગફળી અને બાજરી ફરીથી ઉગવા લાગ્યા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોના બિયારણ, મજૂરી અને સમગ્ર મહેનત વ્યર્થ ગઈ છે.

આ પરિસ્થિતિમાં બનાસકાંઠા કિસાન સંઘના 200થી વધુ આગેવાનો રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી છે.
કિસાન સંઘે ચેતવણી આપી છે કે જો ખેડૂતોને સહાય નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

