Gujarat

માઘરોલી નજીક યુવકને નીલગાયના 25થી વધુના ટોળાએ ખેડૂતને રગદોળી નાખતા મોત

નડિયાદ તાલુકાના માંઘરોલી નજીક નીલગાયના ટોળાંએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું.

અકસ્માત થયા બાદ માર્ગ ઉપર પટકાયેલા યુવકના માથા ઉપરથી 25થી વધુ નીલ ગાયનું ટોળું પસાર થવાની સાથે યુવકના માથામાં નીલ ગાયોએ પગથી ગંભીર ઈજા પહોંચાડી હતી. યુવકના મોતને પગલે હાલમાં પરિવાર આઘાતમાં છે.

માંઘરોલીમાં રહેતા મયંકભાઇ ચંદુભાઈ પટેલ ( ઉં. વ. 35) તમાકુના વેચાણથી આવેલા પૈસા બેંકમાં ભરવા માટે જઈ રહ્યા હતા.

મયંકભાઈને બહારગામ જવું હોવાથી ઘરમાં વધુ પૈસા રાખવા જોખમી હોવાથી બપોરના 2:30 વાગ્યાના અરસામાં મયંકભાઈ માંઘરોલીથી સોડપુરની વચ્ચે નહેરવાળા માર્ગ ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા.

આ સમયે નીલગાય સાથે મયંકભાઇનું બાઈક અથડાયા બાદ અન્ય નીલગાયના ટોળાએ મયંકભાઈને અડફેટે લઈ જમીન ઉપર પાડી દીધા હતા અને એક પછી એક 25 થી વધુ રોઝડા મયંકભાઇને માથામાં અને છાતીમાં થયેલી ઇજા જીવલેણ નીવડી તેમના ઉપરથી પસાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મયંકભાઈ નહેરના કિનારે જ પડી રહ્યા હતા.

આ સમયે આ માર્ગ ઉપરથી પસાર થતા અન્ય લોકોએ તેમને જોતાં તુરંત જ તેમને સારવાર માટે ઉમરેઠની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નીલ ગાયોના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

ખેડા જિલ્લામાં 25 હજારથી વધુ નીલગાય, રોડ પર આવી જતાં રોજ 4થી 5 અકસ્માત

ખેડા જિલ્લામાં આશરે 25 હજારથી હજાર નીલગાયો છે. જોકે, નડિયાદ શહેરની નજીકમાં જ આવેલાં સોઢપુર – માંઘરોલીમાં નીલ ગાયોનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે.

રોજેરોજ નીલગાયને કારણે અકસ્માતના બનાવો બનતાં હોવા છતાં પણ વન વિભાગે કોઇ પગલાં ભર્યા નથી.

નડિયાદ – ડાકોર રોડ ઉપર વાહનોની ભારે અવરજવર હોય છે ત્યારે ચાલુ હાઇવે પર એકાએક નીલગાયો આડી ઉતરતી હોવાથી રોજના આશરે 5 થી 6 બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બને છે.

જેમાંથી કેટલાક ગંભીર રીતે પણ ઘવાય છે. આ વિસ્તારમાં આશરે 25 જેટલી નીલ ગાયોના ઝુંડે છેલ્લા લાંબા સમયથી સમગ્ર વિસ્તારને બાનમાં લીધું છે.

જેને કારણે સ્થાનિકોમાં પણ ભય જોવા મળે છે. ખેતરોમાં ભેલાણ કરતાં નીલ ગાયોના ટોળાં હુમલો કરતા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે.

નીલ ગાયનું ટોળું એકજ વારમાં આખેઆખું ખેતર સાફ કરી જાય છે. જેથી ખેડૂતોને પણ રાતાપાણીએ રોવાનો વારો આવે છે.

જિલ્લામાં નીલ ગાયોનો ત્રાસ અસહ્ય રીતે વધી રહ્યો છે ત્યારે તેને નિયંત્રણમાં લેવા માટે કોઇ નક્કર પગલાં ભરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે.

પરિવારે એકનો એક આધાર ગુમાવ્યો

મયંકભાઇના પરિવારમાં તેમના પત્ની, બે બાળકો અને માતા છે. ઘરમાં મયંકભાઇ જ કમાનાર હતા.

તેમના અકાળે થયેલાં અવસાનને કારણે હાલમાં પરિવારજનો આઘાતમાં છે. મયંકભાઇ ઘર ચલાવતાં હોવાથી હવે પરિવારે આવકનો સ્ત્રોત પણ ગુમાવ્યો છે.

નડિયાદની આસપાસના 9 ગામોમાં નીલગાયોનો ત્રાસ

માંઘરોલી, મરીડા, અલીન્દ્રા, મહોળેલ, સુરાશામળ, કંજોડા, સલુણ, હાથજ, સોઢપુર

નીલ ગાયો દોડી રોડ પર ધસી આવે છે

સ્થાનિકોના જણાવ્યાનુસાર, માંઘરોલી અને તેની આસપાસના વિસ્તારમાં નીલ ગાયોનો ત્રાસ ખૂબ વધી ગયો છે.

એકાએક માર્ગ ઉપર દોડી આવતી નીલ ગાયોને કારણે અકસ્માતના બનાવો પણ બને છે. રોજના 6 થી 7 દ્વિચક્રી વાહનચાલકો નીલ ગાયોને કારણે આ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બને છે.