ગીર સોમનાથ જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ અંતર્ગત વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 22 મેથી 5 જૂન સુધી ચાલશે.

સુરક્ષા સેતુ સોસાયટી સ્ટૂડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પના કેડેટ્સ અને સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસ શરૂ કર્યો છે.
તેઓ સોમનાથ પરિસર, હમીરજી સર્કલ અને રામમંદિર વિસ્તારમાં પ્લાસ્ટિક નાબૂદી માટે કામ કરી રહ્યા છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સામેના પરિસરમાં કર્મચારીઓ, કેડેટ્સ અને સફાઈ કામદારોએ પ્લાસ્ટિક ન વાપરવાના શપથ લીધા.
250થી વધુ કેડેટ્સે સોમનાથ અને રામમંદિર વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું. તેમણે હોટલ સંચાલકો, ફેરિયાઓ અને દુકાનદારોને ગુલાબ આપીને પ્લાસ્ટિક ન વાપરવા અપીલ કરી.

કેડેટ્સ અને સફાઈ કર્મચારીઓએ રેલી યોજી પ્લાસ્ટિક એકત્રીકરણ કર્યું. તેમનો મુખ્ય ઉદ્દેશ સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ બનાવવાનો છે.




