Gujarat

15 સ્થળોએ કાર્યક્રમ યોજાયા, 4 લાખથી વધુ લોકોએ યોગાસન કર્યા

ખેડા જિલ્લામાં 21 જૂને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ થીમ અને ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત મુખ્ય કાર્યક્રમ નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો.

જિલ્લામાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, ગ્રામ પંચાયતો સહિત 15 જેટલા સ્થળોએ કાર્યક્રમો યોજાયા. વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. તમામ સ્થળોએ એલઇડી સ્ક્રીન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું.

સંતરામ મંદિરના સંતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યોગ પ્રેમીઓએ વિવિધ યોગાસન અને પ્રાણાયામ કર્યા. ડૉ. કલામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટુંડેલ પ્રાથમિક શાળામાં વિશેષ યોગ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સમગ્ર જિલ્લામાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે કુલ 4 લાખથી વધુ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી અને માનસિક શાંતિના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.