ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ થયો છે. 20થી 25 જાન્યુઆરી દરમિયાન જિલ્લાની 60થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચલાલી પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ બાયસેગ મારફતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓને ફાયર ફાઈટિંગની પ્રેક્ટિકલ તાલીમ, 108 દ્વારા પ્રાથમિક સારવાર, ભૂકંપ અને પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે સાવચેતીના પગલાં, રોડ સેફ્ટી અને સર્પદંશથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને વિવિધ આપત્તિઓ સામે જાગૃત કરી તેમને સક્ષમ બનાવવાનો છે. કાર્યક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




