મૂળી સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ્રેમજીવનસ્વામીના અક્ષરવાસ નિમિત્તે વડતાલ મંદિરના રવિસભા હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુવાર, 28 મેના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ઝાલાવાડ પ્રદેશના 700થી વધુ સ્ત્રી-પુરુષ હરિભક્તોએ છ કલાક સુધી અખંડધૂનમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે લાલજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી સ્વામી, મૂળીધામના કૃષ્ણવલ્લભદાસજી અને હાથીજણ સ્વામિનારાયણ મંદિરના શ્રીજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.
વડતાલ, ડભાણ, સુરેન્દ્રનગર અને અમદાવાદના સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

વડતાલ મંદિરના ચેરમેન ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ તેમના આશીર્વચનમાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે અંતકાળે સ્વામિનારાયણ મહામંત્રનું સ્મરણ કરનાર અક્ષરધામને પામે છે.
તેમણે ઉમેર્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ સંતના અક્ષરવાસ પછી ભક્તો અને સંતમંડળ દ્વારા ભગવાનના નામની અખંડધૂન થાય છે.
તેમણે ભગવાન સ્વામિનારાયણનું વચન ટાંકતા કહ્યું કે જ્યાં ભક્તો ભગવાનનું ગાન કરે છે, ત્યાં ભગવાન અખંડ નિવાસ કરે છે.

આ પ્રસંગે સત્સંગમહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, મૂળી ધામના અ.નિ.પ્રેમજીવન સ્વામીની સ્મૃતિમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના મહામંત્રની દિવ્ય ધૂનનો કાર્યક્રમ ઝાલાવાડ સત્સંગ સમાજ દ્વારા રાખેલ છે.
મૂળી મંદિરના કુષ્ણવલ્લભસ્વામીએ સાળંગપુર તથા ધોલેરા મંદિરના ઉદઘાટન પ્રસંગે પણ ખૂબ સેવા કરી છે. તેઓએ મૂળી મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો છે વડતાલ એ શ્રીહરિને ગમતુ ધામ છે. ભગવાને અહી અમદાવાદ-વડતાલ બે દેશના આચાર્યોની સ્થાપના કરી છે.
આશ્રિતો માટે શિક્ષાપત્રી લેખન પણ વડતાલની ભૂમી પરથી જ કર્યું છે. આ વડતાલ એ ઉપાસનાનું મુખ્યકેન્દ્ર છે ભગવાને જ્યારે મંદિરમાં દેવોની સ્થાપના કરી ત્યારે સભામાં ઉપસ્થિત ભક્તોને કહેલ કે જે કોઇ મનુષ્ય 100 વર્ષ સુધી બ્રહ્મચર્ય રાખી ચારધામની જાત્રા પગપાળા કરે અને જે ફળ મળે તે ફળ માત્ર લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માત્રથી મળેલ છે જે કોઇ ભક્ત પુનમના દિવસે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી મનવાંછીત ફળની માંગણી કરે તો લક્ષ્મીનારાયણ દેવ તેના સંકલ્પો પૂર્ણ કરે છે.
આ સભામાં પૂ.શ્યામસ્વામી, મુનીસ્વામી સહિત ડભાણ મંદિરના કોઠારી બળદેવપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


