Gujarat

જામનગરના ITRAમાં 34 કાર્યક્રમો થકી 7000થી વધુ લોકો જોડાયા

જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ITRA) દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વર્ષની થીમ “આયુર્વેદ લોકો માટે અને પૃથ્વીના કલ્યાણ માટે” હતી. સંસ્થા દ્વારા વિવિધ વયજૂથ માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા. શાળા-કોલેજના 250 વિદ્યાર્થીઓએ ITRA કેમ્પસની મુલાકાત લીધી. 1328થી વધુ બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.

કાર્યક્રમોમાં સ્વાસ્થ્ય તપાસ, નિદાન-સારવાર, જનજાગૃતિ અભિયાન, પરિસંવાદ, સ્પર્ધાઓ અને યોગાભ્યાસનો સમાવેશ થયો. વિશેષ રૂપે આયુર્વેદ અને વેટરનરી સાયન્સનો સંગમ કરતો ‘મૃગઆયુર્વેદ’ પરિસંવાદ પણ યોજાયો હતો.

ટેકનોલોજી અને આયુર્વેદના સમન્વય માટે “આયુર્વેદનું ડિજિટલ પરિવર્તન: પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ” વિષય પર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદમાં WHO અને GTMCના નિયામક સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞોએ ભાગ લીધો હતો. સંસ્થાએ વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશ અને આયુર્વેદ જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો પણ યોજ્યા. કુલ 34 વિવિધ કાર્યક્રમોમાં 7000થી વધુ લોકોએ સીધી ભાગીદારી નોંધાવી હતી.