Gujarat

મોટા અંગિયાની મુક્તાબેન જળ વ્યવસ્થાપન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ જલશક્તિ મંત્રાલયના કાર્યક્રમમાં જોડાશે

કચ્છના મોટા અંગિયા ગામની દીકરી મુક્તાબેન જગન્નાથ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કરેલી ઉત્કૃષ્ટ કામગીરીના કારણે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાનાર જલશક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ તેમના પિતા જગન્નાથ બાબુનાથ સાથે આ કાર્યક્રમમાં ભાગ લેશે.

મુક્તાબેને પાણી સંબંધિત માહિતી એકત્રીકરણ અને ડેટા મેનેજમેન્ટમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે મહિલા સી.આર.પી. તરીકે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનમાં કરેલી કામગીરીને કારણે ગુજરાતમાંથી તેમની પસંદગી કરવામાં આવી છે.

મોટા અંગિયા ગામની બાલિકા પંચાયતના સક્રિય સરપંચ તરીકે તેમણે તેજસ્વીની વિધાનસભાનું સફળ સંચાલન કર્યું હતું. આ ઉપરાંત તેઓ મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ સક્રિય છે.

ગાંધીનગર સ્ટેટ અટલ ભુજલ યુનિટના મુખ્ય અધિકારી ડૉ. ડોબરીયા, કચ્છના એસીટી અધિકારી યોગેશભાઈ જાડેજા અને સેજીનાબેનના પ્રયાસોથી તેમને આ વિશેષ આમંત્રણ પ્રાપ્ત થયું છે.

મોટા અંગિયા ગામના સરપંચ ઇકબાલ ઘાંચી, પંચાયત સભ્યો નાથબાવા શંકરનાથ, દિપક ગોર, ન્યાય સમિતિના અધ્યક્ષ પાર્વતીબેન સહિત જસીબેન, મેમુનાબેન, ફાતિમાબેન અને સમગ્ર ગ્રામજનોએ મુક્તાબેનની આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી છે.