Gujarat

સાંસદ પૂનમ માડમે ન્યુયોર્કમાં ગાંધીજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

જામનગરના સાંસદ પૂનમ માડમે ન્યુયોર્કમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓ યુનાઇટેડ નેશન્સની વૈશ્વિક પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા છે. આ પ્રસંગે તેમણે સાથી સાંસદો સાથે ગાંધીજીના આદર્શો અને જીવન મૂલ્યો આજે પણ પ્રસ્તુત હોવાનું જણાવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ન્યુયોર્કમાં, સાંસદ પૂનમ માડમે પૂ. ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતા સહિતના વિચારો વૈશ્વિક શાંતિ અને સદ્ભાવ માટે મહત્વપૂર્ણ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત, સાંસદ પૂનમ માડમ અને તેમના પ્રતિનિધિમંડળે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના ડિરેક્ટર રિચર્ડ ગોવન સાથે “સંયુક્ત રાષ્ટ્રને ઉદ્દેશ્ય અનુસાર બનાવવું” વિષય પર સાર્થક ચર્ચા કરી હતી.

સાંસદ પૂનમ માડમે જણાવ્યું કે, તેઓ વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યોની સિદ્ધિ માટે પ્રયત્નશીલ રહેશે. તેમણે ભારતના ‘વિશ્વબંધુત્વ’ અને ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ના સિદ્ધાંતોને આ પરિષદમાં રજૂ કરવાની વાત કરી. ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ નેશન્સમાં વર્તમાન પડકારો અને સમગ્ર વૈશ્વિક પરિસ્થિતિઓ સહિતના મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હોવાનું પણ સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું.