Gujarat

સાંસદ પૂનમબેન માડમે 35થી વધુ સરકારી યોજનાઓની સમીક્ષા કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદે કૃષિ વિકાસથી માંડીને ગ્રામીણ વિકાસ સુધીની યોજનાઓની સમીક્ષા કરી હતી. તેમાં MGNREGA, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જેવી મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે. આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ સંબંધિત યોજનાઓ જેવી કે નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન અને બેટી બચાવો-બેટી પઢાવો યોજનાની પણ સમીક્ષા કરવામાં આવી.

બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. સાંસદે યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે પડતર પ્રશ્નોનું નિયમિત ફોલો-અપ લેવા અને બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ચુસ્ત અમલવારી માટે સૂચનો કર્યા હતા.