ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ભારત દેશમાંથી હજ યાત્રા માટે જતા હજ યાત્રીઓને જરૂરી સુવિધાઓ અને સહાય પૂરી પાડવા માટે વિવિધ રાજ્યોની રાજ્ય સરકારમાં સરકારી અધિકારી કર્મચારી તરીકે સેવા આપતા હોય તેઓને રાજ્ય હજ નિરીક્ષક તરીકે હજ યાત્રીઓને સારી સેવા મળે તથા ભારતના કોન્સ્યુલેટ જનરલ (CGI )ને સાઉદી અરેબિયા દેશ ખાતે મદદ કરવા માટે પસંદગી કરવામાં આવે છે.
ચાલુ વર્ષ 2025માં ભારતભરમાંથી અંદાજે 1,72,000 તથા ગુજરાતમાંથી 17,000 જેવા હજયાત્રીઓ હજ યાત્રા માટે જનાર હોય ત્યારે ગુજરાતના પ્રત્યેક 150 હજ યાત્રીઓ સાથે એક સરકારી અધિકારી કર્મચારી સ્ટેટ હજ નિરીક્ષક તરીકે સેવા આપી શકે તે હેતુથી ભારત સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવેલ અને કોમ્પ્યુટર બેઝ લેખિત પરીક્ષા તથા સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઇન્ટરવ્યૂ લઈ અને અંતે ગુજરાતની મુખ્ય સિવિલ હોસ્પિટલો ખાતેથી શારીરિક યોગ્યતાની ચકાસણી કરી અંતે મેરીટના ધોરણે આખરી મેરીટ યાદી બનાવી પસંદગી કરવામાં આવેલ છે.

જેમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર હેઠળની આપણા અમરેલી જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે ફરજ બજાવતા સાવરકુંડલાના વતની એવા પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશરફ આર. કુરેશીની સ્ટેટ હજ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી થતા ગૌરવભેર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથી કર્મચારીશ્રીઓ શિક્ષક મિત્રો દોસ્તો કુટુંબીજનો વગેરેએ અભિનંદન પાઠવી પુષ્પગુચ્છ અને ફુલહાર દ્વારા અભિવાદન કર્યું. એક મુસ્લિમ તરીકે દર એક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકવાર હજ યાત્રા કરે તો અહોભાગ્ય ગણાય! જ્યારે માણસની જીવનની સરેરાશ ઉંમરની અડધી ઉંમરે શ્રી અશરફ આર. કુરેશી હજ યાત્રા માટે જવાના છે ત્યારે તેમણે પણ પોતાના માતા પિતા ગુરુજનો સાદાતે કિરામ ઉલમાએ કિરામ દોસ્તો વડીલમિત્રો અને કુટુંબીજનોનો આ તકે ખુશીમાં સહભાગી થવા વ ઈશ્વરને પ્રાર્થના અને દુઆ કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

જે જવાબદારી સોંપવામાં આવે તે જવાબદારી નિભાવવા હજ યાત્રા ની સફરમાં નીકળે એ પહેલા તેમના દ્વારા કોઈ પણ સ્નેહીજનનું જાણ્યે અજાણ્યે અપમાન થયું હોય કે ન ગમે તેવું વર્તન થયું હોય કે દિલ દુખાયું હોય તો માફ કરવા અપીલ અને વિનંતી કરી છે એમ સોહિલ શેખની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા

