રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના માર્ગદર્શનમાં સુધરાઈ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી તાજેતરમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિના મોત બાદ કરવામાં આવી છે.
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વ્યાપક બન્યો હતો. આ ઢોરોની અડફેટે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, રસ્તા પર બેસી જતા ઢોરો ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો કરે છે. શહેરમાં આશરે 1500 જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાંથી અડધાથી વધુ માલિકીના હોવાનું જાણવા મળ્યું છે.

દૂધ દોહ્યા બાદ માલિકો દ્વારા ઢોરોને રખડતા છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત, ઘાસચારો વેચતા વેપારીઓ જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખતા ઢોરો ત્યાં એકઠા થાય છે અને બાખડે છે, જેના કારણે શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. આથમણા નાકા, અયોધ્યાપુરી, તિરુપતિ નગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે, પાવર હાઉસ, ગુરુકુળ રોડ અને રતનપર જેવા વિસ્તારોમાં માલિકીના ઢોરો મોટી સંખ્યામાં જોવા મળે છે.

